ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાહબાઝે 500થી વધુ વિકેટ લીધી છે, વિશ્વભરની ટી20 લીગમાં રમશે

નવી દિલ્હી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ શરુ થવાની છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમમાં તક ન મળવાથી દુઃખી થયેલા અનુભવી બોલર શાહબાઝ નદીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. શાહબાઝ નદીમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ લેનાર બોલર છે. નદીમે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ આ રણજી સિઝનમાં રાજસ્થાન સામે રમી હતી. નિવૃત્તિ બાદ હવે તે વિશ્વભરની વિવિધ ટી20 લીગમાં ભાગ લેવાનું વિચારી રહ્યો છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ઝારખંડના વધુ બે સિનિયર ક્રિકેટર સૌરભ તિવારી અને વરુણ એરોને પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
શાહબાઝ નદીમે જણાવ્યું હતું કે, “હું લાંબા સમયથી નિવૃત્તિ લેવા અંગે વિચાર કરી રહ્યો હતો અને હવે મેં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. મને હંમેશા લાગે છે કે જ્યારે તમારી પાસે થોડી પ્રેરણા હોય છે, ત્યારે તમે હંમેશા તમારી જાતને સારું પ્રદર્શન કરવા પ્રેરિત કરતા રહો છો. જો કે હવે જ્યારે મને ખબર છે કે મને ભારતીય ટીમમાં તક નહીં મળે તો સારું રહેશે કે હું યુવા ક્રિકેટરોને તક આપું. આ ઉપરાંત હવે હું વિશ્વભરની ટી20 લીગમાં રમવાનું પણ વિચારી રહ્યો છું.
શાહબાઝ નદીમે ભારત માટે બે ટેસ્ટ મેચ રમી છે. તેણે ઓક્ટોબર 2019માં રાંચીમાં સાઉથ આફ્રિકા સામે તેની ડેબ્યુ મેચ રમી હતી. જ્યાં તેણે 4 વિકેટ ઝડપી હતી. આ પછી તેને વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની તક મળી. આ ઉપરાંત આઈપીએલમાં તેણે કુલ 72 મેચ રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 140 મેચમાં 28.86ની એવરેજથી કુલ 542 વિકેટ લીધી છે. આ સિવાય લિસ્ટ-એમાં તેના નામે 175 વિકેટ છે અને ટી20માં તેના નામે 125 વિકેટ છે.
