ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર ડોલર પડાવવાના કેસમાં ત્રણની ધરપકડ

Spread the love

આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક લોકોને છેતર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

મુંબઈ

હિન્દી ફિલ્મના શૂટિંગ માટે કલાકારોને વિદેશ લઈ જવાને બહાને વિલેપાર્લેના ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર યુએસ ડૉલર પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક લોકોને છેતર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૮ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ માજિદ અબ્દુલ માલિક ખાન ઉર્ફે મન્નુ (૪૪), મયંક પ્રદીપ શર્મા ઉર્ફે લડ્ડુ (૨૨) અને આકાશ દ્વારકાપ્રસાદ અગ્રવાલ ઉર્ફે કબીર ઉર્ફે કબ્બુ (૧૯) તરીકે થઈ હતી. પકડાયેલા આરોપી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને થાણેના રહેવાસી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

વિલેપાર્લેમાં રહેતા અને ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય ધરાવતા પરેશ પરમારે આ પ્રકરણે ૨૮ ફેબ્રુઆરીએ વાકોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે એક આરોપીએ ઓળખીતા વ્યાવસાયિકના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ પોતાનું નામ કૃષ્ણન હોવાનું કહ્યું હતું. પોતે એક ફિલ્મનું દિગ્દર્શન કરતો હોવાથી કલાકારોને વિદેશ જવા માટે ડૉલર્સની જરૂર હોવાનું કૃષ્ણને કહ્યું હતું. પચીસ હજાર ડૉલર્સના બદલામાં ૨૧.૨૫ લાખ રૂપિયા આપવાની તૈયારી કૃષ્ણને દાખવી હતી.
સાંતાક્રુઝની એક ફાઈવ સ્ટાર હોટેલમાં અભિનેતા અક્ષય કુમારનું શૂટિંગ ચાલુ હોવાથી ફરિયાદીને મીટિંગ માટે ત્યાં જ બોલાવવામાં આવ્યો હતો. ૨૮ ફેબ્રુઆરીએ ફરિયાદી પચીસ હજાર યુએસ ડૉલર લઈને હોટેલમાં ગયો હતો. વેપારી પાસેથી ડૉલર્સ ગણવાને બહાને કૃષ્ણને પોતાના હાથમાં લીધા હતા. પછી મોબાઈલ પર વાતચીતને બહાને ડૉલર્સ લઈ તે હોટેલની રૂમની બહાર ગયો હતો અને ફરાર થઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોબાઈલ લૉકેશનને આધારે આરોપીને ટ્રેસ કર્યા હતા. પકડાયેલા ત્રણેય આરોપી વિરુદ્ધ આ જ પ્રકારે છેતરપિંડી કરવા બદલ ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *