ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે અને ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે
મુંબઈ
લોકસભાની ચૂંટણીની જાહેરાત કયારેય થઈ શકે છે. દરમિયાન ભાજપની પ્રચાર સભાઓ શરૂ થઈ ગઈ છે. અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યની મુલાકાત લેશે. આ બધા માહોલમાં એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે? તેનું કારણ શિંદે જૂથના વિધાનસભ્યએ દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે અને ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દેશમાં ઇન્ડિયા અઘાડી અને રાજ્યમાં મહા વિકાસ અઘાડી આવા વિપક્ષી ગઠબંધન છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવારની પાર્ટી અને કૉંગ્રેસ તે ગઠબંધનમાં છે. ઉદ્ધવ ઠાકરેની પ્રચાર સભાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ૨૦૧૯માં, જ્યારે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ચૂંટણી લડ્યા હતા, ત્યારે તે ચૂંટણીના પરિણામો પછી, અઢી વર્ષ સુધી મુખ્ય પ્રધાન પદની વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. તે પછી શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મહાવિકાસ અઘાડી અસ્તિત્વમાં આવી. આ બધું થયા પછી ૨૦૨૨માં શિવસેનામાં બળવો થયો અને ૨૦૨૩માં એનસીપી માં બળવો થયો. આ બધા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં એક રીતે હલચલ મચી ગઈ છે. લોકસભાના પરિણામો શું આવે છે તે જોવું જરૂરી છે. દરમિયાન, શિંદે જૂથના વિધાનસભ્ય શાહજી બાપુ પાટીલે દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે અને નરેન્દ્ર મોદીની મુલાકાત થશે અને તેઓ ભાજપ સાથે આવશે. આવું થવું જ રહ્યું કારણ કે તેની પાછળ હિંદુત્વનો વિચાર છે. હિન્દુત્વનો વિચાર બાજુ પર રાખી શકાય નહીં.