પોલીસને તપાસ દરમિયાન એક ચીઠી અને મોબાઈલ મળી આવ્યો છે, પોલીસ તેને સ્યુસાઈડ નોટ ગણાવી રહી છે
સુરત
સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે, જેમાં લિંબાયત વિસ્તારમાં રૂસ્તમ પાર્ક ખાતે એક પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આજે એક યુવકે પોતાની પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવીને પોતે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલ લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરતમાં ફરી એકવાર સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. લિંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા 38 વર્ષીય સુમેશ ભિક્ષાપતિ જિલા એ પોતાની પત્ની નિર્મલ અને સાત વર્ષના દીકરા દેવઋષિને ઝેર આપીને મારી નાખ્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધાનો દાવો કરાઈ રહ્યો છે. પોલીસને તપાસ દરમિયાન એક ચીઠી અને મોબાઈલ મળી આવ્યો છે. પોલીસ તેને સ્યુસાઈડ નોટ ગણાવી રહી છે. જો કે અત્યાર સુધી પરિવારના સભ્યોએ કેમ આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. પોલીસે કહ્યું હતું કે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
અગાઉ સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલનપુર જકાતનાકા નજીક આવેલા સિદ્ધેશ્વર કોમ્પલેક્સ પણ આપઘાતની ઘટના બની હતી. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી નાખ્યું હતું. અહીં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ હતા.