ફરિયાદી બલ્ગેરિયન યુવતીએ કેડિલા ફાર્મામાં ફરી નોકરી માગી

Spread the love

આ માટે યુવતીએ લેબર ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ કરી છે, 27 વર્ષની બલ્ગેરિયન યુવતી કંપનીમાં જે પોસ્ટ પર હતી તે ફરીથી માગી રહી છે

અમદાવાદ

કેડિલા ફાર્માસ્યુટિકલના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામેના રેપ કેસમાં સતત વળાંક આવી રહ્યા છે. જે બલ્ગેરિયન યુવતીએ મોદી સામે રેપનો આરોપ મૂક્યો છે તે હવે કેડિલા ફાર્મામાં પોતાનું પદ ફરીથી માગી રહી છે. આ માટે મહિલાએ લેબર ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ કરી છે. 27 વર્ષની બલ્ગેરિયન યુવતી કંપનીમાં જે પોસ્ટ પર હતી તે ફરીથી માગી રહી છે. આ ઉપરાંત તેનું કહેવું છે કે કંપની પાસેથી તેના હજુ લાખો રૂપિયા બાકી નીકળે છે.

ગુરુવારે યુવતી અમદાવાદ ખાતે લેબર ડિપાર્ટમેન્ટમાં પહોંચી હતી અને ઈન્ડસ્ટ્રીયલ વિવાદની ફરિયાદ કરી હતી. તેનું કહેવું છે કે 15 એપ્રિલે તે પોતાના બોસ સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પહોંચી ત્યાર પછી તેને રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવી હતી. તેને એક કોરા કાગળ પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી જેના પર માત્ર ચાર લીટી લખેલી હતી અને પોલીસ સ્ટેશનમાં જ સહી લઈ લેવાઈ હતી. બલ્ગેરિયન મહિલાના વકીલ રાજેશ મિશ્રાએ જણાવ્યું કે તેને નોકરીમાંથી આ રીતે કાઢી મૂકવાનું કામ ગેરકાયદે હતું અને તેને ફરીથી કંપનીમાં જૂનો હોદ્દો મળવો જોઈએ.
યુવતીએ મોદી સામે એફઆઈઆર લખાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી જેમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે મહિલાએ આ કેસમાં સેટલમેન્ટ તરીકે 22 લાખ રૂપિયા સ્વીકારી લીધા છે. જ્યારે તેના વકીલે જણાવ્યું કે યુવતી પાસે રાજીનામાનો પત્ર લખાવી લેવામાં આવ્યો ત્યાર પછી અમે કંપનીને નોટિસ મોકલીને બાકીની રકમ ચૂકવવા કહ્યું હતું. મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.
તેમણે કહ્યું કે કેડિલા ફાર્મા પાસેથી બલ્ગેરિયન યુવતીના હજુ 11 લાખ રૂપિયા બાકી નીકળે છે. યુવતીની અરજી ડેપ્યુટી લેબર કમિશ્નરને સોંપવામાં આવી છે. આ અંગે સમાધાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે અને જો સમાધાન નહીં થાય તો આ કેસ લેબર કોર્ટમાં જશે.
બલ્ગેરિયન યુવતીએ એપ્રિલ 2023માં કેડિલા ફાર્માના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામે રેપની ફરિયાદ કરી હતી. પોલીસે જ્યારે તેના પર કોઈ કાર્યવાહી ન કરી ત્યારે ક્રિમિનલ કોર્ટમાં ગઈ હતી અને તેમાં પણ સફળતા મળી ન હતી. ત્યાર બાદ તેની પિટિશનના આધારે હાઈકોર્ટે રાજીવ મોદી અને તેના કર્મચારી જ્હોન્સન મેથ્યૂ સામે એફઆઈઆર ફાઈલ કરવા આદેશ આપ્યો હતો.
પોલીસ એફઆઈઆર દાખલ થયાના 45 દિવસ પછી મોદી 15 ફેબ્રુઆરીએ સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસે તેમને ક્લિન ચિટ આપી દીધી હતી. પોલીસનું કહેવું હતું કે મોદી સામે કોઈ પૂરાવા નથી અને પોલીસે મેજિસ્ટરિયલ કોર્ટમાં કેસ ક્લોઝ કરવાની ભલામણ કરી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *