બાટિક એરલાઈનની ફ્લાઈટ કેંદારી શહેરથી ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા જઈ રહી હતી, જેમાં 153 મુસાફરો અને ચાર ક્રુ મેમ્બર પણ સવાર હતા
જાકાર્તા
પાયલોટની જરા સરખી ચૂક પણ પ્લેનમાં બેઠેલા સેંકડો મુસાફરોના જીવ જોખમમાં નાંખી શકે છે અને તેના કારણે જ પાયલોટની ડ્યુટી સંવેદનશીલ ગણાતી હોય છે.
આમ છતા પાયલોટો લાપરવાહી વરતતા હોય તેવા કિસ્સા બનતા રહેતા હોય છે. ઈન્ડોનેશિયામાં બાટિક એરલાઈનની એક ફ્લાઈટમાં બંને પાયલોટ અડધો કલાક સુધી સુતા રહ્યા હોવાની ઘટના સપાટી પર આવી છે.
આ મામલો 25 જાન્યુઆરીનો છે. બાટિક એરલાઈનની ફ્લાઈટ કેંદારી શહેરથી ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા જઈ રહી હતી. જેમાં 153 મુસાફરો અને ચાર ક્રુ મેમ્બર પણ સવાર હતા. ફ્લાઈટ આકાશમાં હતી અને બંને પાયલોટ અડધો કલાક સુધી નિંદર માણતા રહયા હતા. આ વાતનો ખુલાસો રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા સમિતિએ પોતાના રિપોર્ટમાં કર્યો છે.
જોકે ઉડાન દરમિયાન કોઈને આ વાતનો વધારે ખ્યાલ આવ્યો નહોતો અને વિમાને બે કલાક અને 35 મિનિટની મુસાફરી બાદ સહીસલામત રીતે લેન્ડિંગ કર્યુ હતુ. આ બંને પાયલોટો સુતા રહ્યા તે દરમિયાન પ્લેન પોતાના ફ્લાઈટ પાથ પરથી હટી ગયુ હતુ. કંટ્રોલ રુમના ધ્યાનમાં આ વાત આવતાની સાથે જ વિમાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના કારણે પાયલોટની આંખ ખુલી ગઈ હતી.
રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા સમિતિએ ઘટનાની તપાસના રિપોર્ટમાં કહ્યુ છે કે, સેકન્ડ ઈન કમાન્ડ પાયલોટે પોતાના કો પાયલોટને પહેલા જ કહી દીધુ હતુ કે તે થાકી ગયો છે અને તે પછી તે 30 મિનિટ સુધી સુતો રહ્યો હતો. એ પછી મુખ્ય પાયલોટે પોતાના સેકન્ડ ઈન કમાન્ડ પાયલોટને કહ્યુ હતુ કે, હવે હું થોડો આરામ કરવા માંગુ છુ. આ તબક્કે મુખ્ય પાયલોટની સાથે સાથે સેકન્ડ ઈન કમાન્ડ પાયલોટ પણ પાછો સુઈ ગયો હતો. બંને પાયલોટોના સંચાલન વગર પ્લેન અડધો કલાક સુધી ઉડતુ રહ્યુ હતુ.
કંટ્રોલ રુમના ધ્યાનમાં વાત આવી હતી કે, આ વિમાન પોતાના નિયત રસ્તા પરથી ભટકી રહ્યુ છે ત્યારે કંટ્રોલ રૂમે પાયલોટનુ ધ્યાન દોર્યુ હતુ અને પાયલોટો કહ્યુ હતુ કે, રેડિયો કોમ્યુનિકેશનમાં સમસ્યા થઈ હોવાથી અમે જવાબ નહોતા આપી શકયા.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, સેકન્ડ ઈન કમાન્ડ પાયલોટને એક મહિનાના જોડિયા બાળકો છે અને પત્નીને બાળકોની દેખભાળમાં મદદ કરવા માટે ઘણી વખત તેને રાતે ઉજાગરો કરવો પડતો હોવાથી ફ્લાઈટમાં ઝોકુ આવી ગયુ હતુ.
દરમિયાન ઈન્ડોનેશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ બંને પાયલોટોને આગળની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી વિમાન ચલાવવાની મનાઈ ફરમાવી દીધી છે.