‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બહુ ધામધૂમથી આનામત આપી હતી, પરંતુ તમને કહેવામાં આવ્યું કે સરવે પછી જ અનામત આપવામાં આવશેઃ રાહુલ
નવી દિલ્હી
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે અને તેમની યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે, જ્યાં તેમણે મહિલાઓને લઈને એક મોટા ચૂંટણી વચનની જાહેરાત કરી હતી.
રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરુ કરી હતી, જે મહારાષ્ટ્રમાં પહોંચી ગયી છે જેમાં મહિલાઓ પણ ઉત્સાહથી ભાગ લઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી આ યાત્રા દ્વારા દરેક રાજ્યમાં કોંગ્રેસને વધુને વધુ બેઠક મળે તે માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો મહિલાઓને સરવે વગર જ અનામત આપશે અને દસ વર્ષ બાદ સરવે કરવામાં આવશે. જેવી જ કોંગ્રેસની સરકાર આવશે કે તરત જ સરવે વગર જ અનામત આપીશું.
મહારાષ્ટ્રમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લોકસભામાં બહુ ધામધૂમથી આનામત આપી હતી. પરંતુ તમને કહેવામાં આવ્યું કે સરવે પછી જ અનામત આપવામાં આવશે.’ રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, જો કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો તરત જ તમને અનામત આપશે. કોઈપણ સરવેની જરૂર રહેશે નહીં.’
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી દેશની અડધી વસ્તીને પોતાના તરફ ધ્યાન ખેંચવાના સતત પ્રયાસો કરી રહી છે. પાર્ટીનું માનવું છે કે જો તેમને ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરવી હોય તો મહિલાઓમાં પોતાની પકડ મજબૂત કરવી પડશે. આ જ કારણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આજે ‘મહિલા ન્યાય’ ગેરંટીની જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે સરકારી નોકરીઓમાં મહિલાઓને 50 ટકા અધિકાર આપવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને આર્થિક મદદની પણ વાત કહેવામાં આવી છે.