એફઆઈઆર પોક્સો અને 354 (એ) આઈપીસી હેઠળ દાખલ કરવામાં આવી, યેદિયુરપ્પાના કાર્યાલયે જ 53 કેસોની યાદી જાહેર કરી
બેંગલુરુ
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા સામે પોલીસે એક ગંભીર કેસ દાખલ કર્યો છે. માહિતી અનુસાર તેમની સામે સગીર છોકરીનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે તેમની સામે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ એફઆઈઆર પોક્સો અને 354 (એ) આઈપીસી હેઠળ દાખલ કરવામાં આવી છે.
બીએસ યેદિયુરપ્પાના કાર્યાલયે આ મામલે નિવેદન જાહેર કર્યું છે અને આવા જ 53 કેસોની યાદી જાહેર કરી છે, જે ફરિયાદકર્તાએ પહેલાથી જ અલગ-અલગ બાબતોને લઈને દાખલ કરી છે. યેદિયુરપ્પાના કાર્યાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે ફરિયાદીને આવી ફરિયાદો કરવાની આદત છે.
નોંધનીય છે કે બીએસ યેદિયુરપ્પા 2008 અને 2011માં કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે, ત્યારબાદ મે 2018માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ 2019થી 2021 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે 2021માં રાજીનામું આપ્યું હતું, પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે રાજ્યની જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.