આઈપીએલ 2024 માટે દુબઈમાં યોજાયેલ હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 5.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
નવી દિલ્હી
આઈપીએલ 2024 માટે રાજસ્થાન રોયલ્સે ટીમમાં એક એવા ક્રિકેટરને સામેલ કર્યો છે જે મિડલ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. નાગપુરના શુભમ દુબેને ગયા વર્ષે આઈપીએલ 2024 માટે દુબઈમાં યોજાયેલ હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 5.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શુભમ ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ તરફથી રમે છે. શુભમની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી, પરંતુ તેને હરાજીમાં મોટી રકમ આપીને આરઆરએ પોતાની ટીમમાં સામે કર્યો હતો.
રાજસ્થાન રોયલ્સે 20 લાખ રૂપિયા બેસ પ્રાઈઝ ધરાવતા શુભમ દુબેને રાતોરાત કરોડપતિ બનાવી દીધો હતો. શુભમ દુબેના પરિવારની સ્થિતિ સારી ન હતી, તેથી તેના પિતા બદ્રી પ્રસાદ દુબેને પાન પણ વેચવા પડ્યા. શુભમ દુબે પાસે ક્રિકેટ કીટ ખરીદવાના પણ પૈસા ન હતા. શુભમ દુબેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા માતા-પિતાએ હંમેશા મને સપોર્ટ કર્યો છે. મારા પિતાએ પરિવારના ભરણપોષણ માટે ઘણો સંઘર્ષ કર્યો છે. હોટેલ મેનેજર તરીકે કામ કરવા ઉપરાંત, તેમણે રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે પણ કામ કર્યું અને પાનનો ગલ્લો પણ ચલાવ્યો. શુભમ દુબે આઈપીએલમાંથી મળેલા પૈસાથી પોતાના પરિવાર માટે ઘર ખરીદવા માંગે છે. શુભમ દુબેનો જન્મ 27 ઓગસ્ટ 1994ના રોજ વિદર્ભના યવતમાલ જિલ્લામાં થયો હતો, પરંતુ તેનો અભ્યાસ નાગપુરમાં થયો હતો.
શુભમની વાત કરીએ તો તે આરઆરની ટીમમાં ફિનિશરની ભૂમિકા ભજવશે. આ ડાબોડી બેટર તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. નાગપુરનો શુભમ દુબે મોટા શોટ રમવામાં માહેર છે. ગયા વર્ષે સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં તેણે 7 ઇનિંગ્સમાં 73.66ની એવરેજ અને 187.28ના સ્ટ્રાઇક રેટથી 221 રન બનાવ્યા હતા.
શુભમ પહેલીવાર આઈપીએલમાં રમવા જઈ રહ્યો છે. 21 ઓક્ટોબર 2023ના રોજ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં બંગાળ સામે રમાયેલી મેચમાં વિદર્ભ તરફથી રમતા શુભમ દુબેએ 20 બોલમાં 58 રન બનાવ્યા હતા. શુભમ દુબેની ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. તે દરમિયાન શુભમ દુબેનો સ્ટ્રાઈક રેટ 290 હતો. આ મેચમાં શુભમ દુબેની ઈનિંગના દમ પર વિદર્ભે 13 બોલ બાકી રહેતા બંગાળ સામે 213 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. શુભમ દુબેએ અત્યાર સુધી 20 ટી20 મેચમાં 37.30ની એવરેજથી 485 રન બનાવ્યા છે. શુભમ દુબેનો સ્ટ્રાઈક રેટ 145.20 છે.