85 વર્ષથી વધુ વયના મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે, તેઓ ઘરેથી પણ વોટિંગ કરી શકશે
નવી દિલ્હી
ભારતના ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખો સાથેની જાહેરાત કરતાં કહ્યું કે ભારતમાં ચૂંટણી માટે 55 લાખથી વધુ ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે અને દોઢ કરોડ અધિકારીઓ આ કામમાં જોડાશે. તમામ પોલિંગ બૂથ પર પીવાનું પાણી, ટોઇલેટ અને વ્હીલચેરની પાયાની સુવિધાઓ આપવામાં આવશે. મતદાનની ટકાવારી વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. 85 વર્ષથી વધુ વયના મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે, તેઓ ઘરેથી પણ વોટિંગ કરી શકશે.
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિશદમાં વાત કરતાં કહ્યું કે, અમે 85 વર્ષથી વધુ વય ધરાવતા તમામ મતદારો અને વિકલાંગ મતદારોના મત તેમના ઘરે જઈને લઈશું. અને તેના નોમિનેશન પહેલા તેમના ઘરે ફોર્મ પહોંચાડવામાં આવશે. આ સિસ્ટમ સમગ્ર દેશમાં એક સાથે લાગુ કરવામાં આવશે.
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં મહત્ત્વની વાતો
• પારર્દશક ચૂંટણી યોજવા માટે અને તમામ પડકારોને ઝિલવા ચૂંટણી પંચ આ 4M પર ધ્યાન આપશે
• ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેમની વિગતો પ્રકાશિત કરાવવી પડશે.
• ચૂંટણી પ્રક્રિયામાં કાગળનો ઉપયોગ લઘુતમ કરવામાં આવશે
• 85 વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા અપાશે.
• બે વર્ષથી ચૂંટણીના આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી
• દરેક બુથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ હશે
• 12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ
• 82 લાખ મતદાતાઓ 85 વર્ષથી ઉપરના, જ્યારે 2.38 લાખ મતદાતા 100 વર્ષથી ઉપરના
• આ વખતે 1.82 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે.
• 10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે
• આ વખતે દેશમાં 97 કરોડ મતદારો
છેલ્લી ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે તત્કાલિન કમિશનર અશોક લવાસાએ એ બાબતોના સંકેત આપ્યા હતા કે, તારીખો નક્કી કરવામાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. 2019ની તારીખોનું એલાન કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે ચૂંટણીની તારીખો માટે પરીક્ષાઓની તારીખો, તહેવારો, પાકની મોસમ અને હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. એટલે કે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને તારીખો નક્કી કરવામાં આવી છે.
1996ની તારીખોનું એલાન કરતી વખતે ટીએન શેષને પોતાની 4 પ્રાથમિકતાઓ વિશે જણાવ્યું હતું જે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ, મુક્ત અને હિંસા મુક્ત ચૂંટણી હતી. એનો અર્થ એ કે, તેનો સંપૂર્ણ ભાર સુરક્ષા પર હતો. ત્યારથી અત્યાર સુધીમાં સુરક્ષા સાથે સબંધિત સ્થિતિઓ ખૂબ જ સારી બની ચૂકી છે પરંતુ હજુ પણ સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. તેના માટે સુરક્ષાદળોની પર્યાપ્ત તૈનાતી કરવામાં આવે છે.