સેન્સર બોર્ડે આ અંગે જે પણ નિર્ણય લેવાનો હતો તે તેમણે લીધો છે, આ તેનું કામ છે, ફિલ્મના નિર્માતા અને નિર્દેશકોએ ફિલ્મના ડાયલોગ બદલવાની વાત કરી છે

નવી દિલ્હી
આદિપુરુષ ફિલ્મને લઈને વિવાદ સતત વધતો જાય છે. એવામાં હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ કડક ટિપ્પણી કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે આદિપુરુષ ફિલ્મ વિશે નિવેદન આપતા જણાવ્યું કે, દેશમાં કોઈને પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું કહેવું છે કે, સેન્સર બોર્ડે આ અંગે જે પણ નિર્ણય લેવાનો હતો તે તેમણે લીધો છે. આ તેનું કામ છે. ફિલ્મના નિર્માતા અને નિર્દેશકોએ ફિલ્મના ડાયલોગ બદલવાની વાત કરી છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી.
આ સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પટનામાં 23 જૂને યોજાનારી બેઠકને લઈને વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે, જે વિરોધ પક્ષો બિહાર જઈ રહ્યા છે તેમણે નીતિશ કુમારને ત્યાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે પૂછવું જોઈએ. 1700 કરોડની કિંમતનો આ પુલ પત્તાના ઘરની જેમ એક વાર નહીં પરંતુ અનેક વખત તૂટી પડ્યો છે. કરોડો રૂપિયાનું એમ્બ્યુલન્સ કૌભાંડ થયું છે. તે ભ્રષ્ટ પક્ષો સાથે ગઠબંધન ન કરવું જોઈએ.
અગાઉ, 12 જૂને પટનામાં વિપક્ષી નેતાઓની બેઠક યોજાવાની હતી, જો કે રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ડીએમકેના વડા એમકે સ્ટાલિનની હાજરી ન હોવાને લીધે તે મોકૂફ રાખવામાં આવી હતી. હવે 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના એનડીએ સામે સંયુક્ત મોરચો બનાવવા માટે 23 જૂને પટનામાં વિપક્ષની બેઠક થશે. રાહુલ ગાંધી, ખડગે અને સ્ટાલિન ઉપરાંત, અન્ય મુખ્ય વિપક્ષી નેતાઓ જે બેઠકમાં ભાગ લેશે તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સામેલ થશે.