અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા

નવી દિલ્હી
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર એક પછી એક આફત આવી રહી છે. તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થયા છે અને હવે અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
અબ્દુલ હૈદ્રાબાદનો રહેવાસી છે અને તે સાત માર્ચથી લાપતા હોવાની જાણકારી તેના પરિવારને મળી છે. વધારે ચોંકાવનારી વાત એ છે કે, અબ્દુલના પિતા મહોમ્મદ સલીમને ફોન કરીને અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી છે કે, અમે અબ્દુલને કિડનેપ કર્યો છે અને તેને સુરક્ષિત જોવો હોય તો 1200 ડોલર મોકલો. ફોન કરનારે પોતાની ઓળખ ક્લીવલેન્ડમાં ડ્રગ વેચનારી ગેંગના સભ્ય તરીકે આપી છે.
ફોન કરનારે તો એવુ પણ કહ્યુ હતુ કે, જો તરત પૈસા નહીં મોકલવામાં આવે તો અમે અબ્દુલની કિડની વેચી દઈશું. આ પ્રકારની ધમકી મળ્યા બાદ અમેરિકામાં રહેતા અબ્દુલના સબંધીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હવે અબ્દુલની શોધખોળ શરૂ કરી છે.
અબ્દુલનો પરિવાર 18 માર્ચે શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટમાં પણ ગયો હતો અને અબ્દુલને શોધવા માટે મદ માંગી હતી. જોકે હજી સુધી અબ્દુલનો કોઈ પતો મળ્યો નથી.