જાપાનમાં યુવા વર્ગમાં દારૂ પીવાનુ પ્રમાણ 60 વર્ષ વટાવી ગયેલા સિનિયર સિટિઝન્સ કરતા પણ ઓછુ, 1995માં જાપાનમાં 26 ગેલન દારૂ પીવાતો, 2020માં તે ઘટીને 20 ગેલન થઈ ગયો
ટોકિયો
દુનિયાના મોટા ભાગના દેશોમાં દારૂનુ સેવન કરનારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે જાપાનની વાત અલગ છે.જાપાનમાં ઉલટી ગંગા વહી રહી છે અને દારૂ પીનારાની સંખ્યા ઘટી રહી છે.
એટલે સુધી કે જાપાનમાં યુવા વર્ગમાં દારૂ પીવાનુ પ્રમાણ 60 વર્ષ વટાવી ગયેલા સિનિયર સિટિઝન્સ કરતા પણ ઓછુ છે. 1995માં જાપાનમાં સરેરાશ 26 ગેલન દારૂ પીવાતો હતો અને 2020માં તે ઘટીને 20 ગેલન થઈ ગયો છે. જેની અસર ટેક્સ રેવેન્યૂ પર થઈ રહી છે. 2020માં ટેક્સની આવકમાં દારૂનો હિસ્સો ઘટીને 1.7 ટકા રહી ગયો હતો.
આમ તો દારૂનુ સેવન કરનારા ઘટે તે ખુશ થવા જેવી વાત છે પણ જાપાનની સરકારને ગમ્યુ નથી. સરકાર આ માટે યુવાઓને જવાબદાર માની રહી છે.સરકારનુ માનવુ છે કે, યુવા પેઢી કામમાં એટલી હદે ગળાડૂબ છે કે, બીજા કોઈ શોખ સાથે તેમને મતલબ નથી અને આમ તો આ સારી વાત છે પણ સરકારી તિજોરીનો પણ સવાલ છે.
હવે જાપાનમાં સેક વિવા…નામની ઝૂંબેશ શરૂ કરાઈ છે. જેનો અર્થ છે કે, લોન્ગ વિલ આલ્કોહોલ ડ્રિંક્સ…આ ઝૂંબેશ થકી જાપાનીઓને કહેવામાં આવી રહ્યુ છે કે, મર્યાદિત પ્રમાણમાં આલ્કોહોલનુ સેવન તણાવ ઓછો કરે છે અને જીવવાની ઈચ્છાને પણ વધારે છે. તેમાં 20 થી 39 વર્ષના લોકોને દારૂ પીવાના ફાયદા ગણાવાઈ રહ્યા છે.
જોકે આ ઝુંબેશનો વિરોધ પણ થઈ રહ્યો છે.તેનુ કારણ એ છે કે, જાપાનમાં ભલે ઓછા લોકો દારૂ પીતા હોય પણ જે પીવે છે તે ચિક્કાર પીવે છે અને અર્થ શાસ્ત્રીઓને ડર લાગી રહ્યો છે કે, આવી ઝુંબેશ શરૂ કરવાના કારણે યુવા વર્ગ દારૂની લતનો શીકાર ના બનવા માંડે…ખુદ જાપાનનુ આરોગ્ય મંત્રાલય માને છે કે, અહીંયા 9.8 મિલિયન લોકો હેવી ડ્રિન્કર છે અને દેશની ઈકોનોમીમાં તેમનુ સૌથી ઓછુ યોગદાન છે.
જાપાનીઓ માટે એવુ પણ કહેવાય છે કે, તેમની પાસે દારૂ પચાવવા માટે તાકાત નથી. દારૂ પીતા જ તેમના ચહેરા લાલ થઈ જાય છે અને તેઓ કંટ્રોલ ગુમાવવા માંડે છે.