ડી.ડી. રાજપૂતના કોંગ્રેસ છોડતાં બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો મનાય છે
ગાંધીનગર
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપીને પક્ષને રામ-રામ કર્યા છે. હવે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી. રાજપૂતે રાજીનામું આપ્યું છે. ડી.ડી. રાજપૂતના કોંગ્રેસ છોડતાં બનાસકાંઠા બેઠકથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ડી.ડી રાજપૂતે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કોંગ્રેસ નેતાઓના ન જવાનું કારણ આપી રાજીનામું આપ્યું છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડી.ડી રાજપૂત હવે ભાજપમાં જોડાયા તેવી અટકળો સેવાઇ રહી રહી છે. નોંધનીય છે કે,વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. ડી ડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે.
બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાને કોંગ્રેસ છોડતા વધી ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે.બનાસકાંઠા બેઠક પર પહેલીવખત બંને પક્ષોએ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.
ગુજરાત કોંગ્રેસના સંખ્યાબંધ અગ્રણીઓ અને કાર્યકરો સતત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે અને પેટાચૂંટણીમાં આ ધારાસભ્યોને ભાજપે ટિકિટ પણ આપી છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી ટાણે જ કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી લડવાનો ઈનકાર પણ કરી દીધો છે જેના કારણે કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ છે.