આવકવેરા વિભાગની નવી ડિમાન્ડ 2017-18 થી 2020-21 માટે છે, જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે

નવી દિલ્હી
કોંગ્રેસ પાર્ટીને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો અને તેના પછી આવકવેરા વિભાગે તેની મુશ્કેલીઓમાં બમણો વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે. આવકવેરા વિભાગની નવી ડિમાન્ડ 2017-18 થી 2020-21 માટે છે. જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે.
આ રકમ હજુ વધવાની શક્યતા છે. આવકવેરા વિભાગ 2021-22 થી 2024-25 સુધીની આવકના પુન:મુલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે. તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે. તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી.
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંખાએ આરોપ લગાવ્યો હતો કે ગુરુવારે પક્ષને દસ્તાવેજો વિના લગભગ 1,700 કરોડ રૂપિયાની નવી નોટિસ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનું આર્થિક રીતે ગળું દબાવવામાં આવી રહ્યું છે અને તે પણ લોકસભા ચૂંટણી દરમિયાન.
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કોંગ્રેસની એ અરજીઓ ફગાવી દીધી હતી જેમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તેની સામે ચાર વર્ષની મુદ્દત માટે પુનઃમુલ્યાંકનની કાર્યવાહી શરૂ કરાયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જસ્ટિસ યશવંત વર્મા અને જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.