મનમોહનસિંહ 1999ની લોકસભા ચૂંટણી લડ્યા ત્યારે તેમને ભાજપના વિજય મલ્હોત્રાએ 30 હજાર મતોથી હરાવ્યા હતા
નવી દિલ્હી
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. દેશભરમાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીને લઈને અનેક કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે આજે એક એવા વડાપ્રધાન વિશે વાત કરવી છે કે જેઓ એક જ વખત લોકસભા ચૂંટણી લડ્યા હતા અને તેમાં પણ તેમને હાર મળી હતી.
દેશમાં ઘણી લોકસભાની બેઠકો છે જે બેઠક પરથી વિજેતા બનીને અનેક નેતાઓ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી પદ સુધી પહોચ્યાં છે ત્યારે એવી જ એક બેઠક દક્ષિણ દિલ્હી લોકસભાની છે જે રાજધાનીની સૌથી મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. આ બેઠક પરથી ઘણા દિગ્ગજ નેતાઓ જીતીને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા છે તો બીજી તરફ અહીંથી પૂર્વ વડાપ્રધાનને હારનો પણ સામનો કરવો પડ્યો હતો. આ પ્રધાનમંત્રી એટલે બીજુ કોઈ નહીં પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી મનમોહન સિંહ છે.
આ બેઠક પર પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનો પરાજય થયો હતો. તેઓ આ બેઠક પરથી 1999ની એકમાત્ર લોકસભા ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમને ભાજપના પ્રોફેસર વિજય કુમાર મલ્હોત્રાએ 30 હજાર મતોથી હરાવ્યા હતા. એ વખતની ચૂંટણીમાં વિજય કુમાર મલ્હોત્રાને 2,61,230 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડૉ.મનમોહન સિંહને માત્ર 2,31,231 મતો જ મળ્યા હતા. ત્રીજા સ્થાને આવેલા અપક્ષ ઉમેદવાર મોહમ્મદ શરીફને માત્ર 2,846 મત મળ્યા હતા. 1999ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી 12 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. તેમાંથી આઠ અપક્ષ ઉમેદવારો હતા, જેમાં મોહમ્મદ શરીફ, વેદ પ્રકાશ, દિનેશ જૈન, ઘનશ્યામ દાસ, જેનિસ દરબારી, જોગીન્દર સિંહ, અશોક કુમાર અને ખૈરતી લાલનો સમાવેશ થાય છે.
દક્ષિણ દિલ્હી લોકસભા મતવિસ્તારમાં 10 વિધાનસભા મતવિસ્તાર બિજવાસન, પાલમ, મહેરૌલી, છતરપુર, દેવલી, આંબેડકર નગર, સંગમ વિહાર, કાલકા જી, તુગલકાબાદ અને બદરપુરનો સમાવેશ થાય છે. આ 10માંથી માત્ર એક વિધાનસભા મતવિસ્તાર, બાદરપુર ભાજપ પાસે છે, બાકીની નવ વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે. આ બેઠક માટે પ્રથમ ચૂંટણી વર્ષ 1967માં યોજાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં કુલ 15 લોકસભા ચૂંટણી યોજાઈ છે. જેમાંથી ભાજપે નવ વખત, કોંગ્રેસ પાંચ વખત અને જનતા પાર્ટી એક વખત જીતી છે.
દક્ષિણ દિલ્હી બેઠક પર 2014થી ભાજપનો કબજો છે. રમેશ બિધુરી 2014 અને 2019થી બે વખત અહીંથી સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે ભાજપ અને આપએ ઉમેદવારો બદલ્યા છે. ભાજપે ધારાસભ્ય રામવીર સિંહ બિધુરી પર દાવ લગાવ્યો છે અને આપ-કોંગ્રેસ ગઠબંધને ધારાસભ્ય સહીરામ પહેલવાન પર દાવ લગાવ્યો છે.