કેજરીવાલ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે લિકર પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા
નવી દિલ્હી
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઈડીએ પોતાનો જવાબ દાખલ કરતા કેજરીવાલની મુક્તિનો વિરોધ કર્યો છે. કેજરીવાલે આ કેસમાં ધરપકડને પડકારવાની સાથે-સાથે વચગાળાની રાહત તરીકે મુક્ત કરવાની પણ માગ કરી હતી. છેલ્લી સુનાવણીમાં કોર્ટે ઈડીને 2 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. હવે દિલ્હી હાઈકોર્ટ આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.
ઈડીએ કહ્યું કે કેજરીવાલને પોતાની કસ્ટડી પર સવાલ ઉઠાવવાનો પોતાનો અધિકાર ત્યારે યાદ આવ્યો જ્યારે ઈડીએ કોર્ટ પાસેથી તેમની કસ્ટડી ન માગી. આવી સ્થિતિમાં કેજરીવાલ હવે એવો દાવો ન કરી શકે કે, તેમની કસ્ટડી ગેરકાયદેસર છે. ઈડીનું કહેવું છે કે કસ્ટડી અંગે ટ્રાયલ કોર્ટનો આદેશ યોગ્ય છે. આ સાથે જ પીએમએલએ હેઠળ અમે તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે.
પોતાની પાસે રહેલી સામગ્રીના આધાર પર ઈડી પાસે એ માનવાનું કારણ છે કે કેજરીવાલ મની લોન્ડરિંગના ગુનામાં દોષિત છે. કેજરીવાલ લીકર પોલીસી કૌભાંડના કિંગપિન અને મુખ્ય સૂત્રધાર છે. ઈડીએ પોતાના જવાબમાં લખ્યું છે કે અરવિંદ કેજરીવાલ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે લીકર પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા અને તે પોલિસીમાં લાભ આપવાના બદલામાં દારૂના ધંધાર્થીઓ પાસેથી લાંચ માંગવામાં પણ સામેલ હતા.
ઈડીએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલે આ પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી ગોવા ચૂંટણી પ્રચારમાં કર્યો હતો. આ સાથે જ તપાસ એજન્સીએ પોતાનાજવાબમાં એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલ લીકર પોલિસી 2021-22ની રચનામાં સીધી રીતે સામેલ હતા.
બીજી તરફ ઈડીએ પોતાના જવાબમાં એમ પણ કહ્યું કે, સાઉથ ગ્રુપને આપવામાં આવતા લાભોને ધ્યાનમાં રાખીને આ લીકર પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની રચના વિજય નાયર, મનીષ સિસોદિયા અને સાઉથ ગ્રુપના સદસ્ય પ્રતિનિધિઓની મિલીભગતથી કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે લીકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં લાભ આપવાના બદલામાં સાઉથ ગ્રુપ પાસેથી લાંચની માગણી કરી હતી.
અહીં નોંધનીય વાત એ છે કે ઈડીએ હાઈકોર્ટને જણાવ્યું કે કેજરીવાલે હવાલાથી કોઈ ડાયરેક્ટ લિંક નથી પરંતુ ઈડીએ કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ પુરાવા જે કૌભાંડમાં તેમની ભૂમિકા દર્શાવે છે તે એ છે કે તેઓ ષડયંત્ર વિશે તેમને જાણ હતી.
ઈડી દ્વારા કહેવામાં આવ્યું કે, વિજય નાયર અરવિંદ કેજરીવાલના ખૂબ નજીકના સહયોગી છે. વિજય નાયરની દિલ્હી આબકારી વિભાગ કે દિલ્હી સરકારમાં કોઈ ભૂમિકા નહોતી. તેઓ તો લાંચ લેવા માટે આપના ટોચના નેતાઓ (ખાસ કરીને અરવિંદ કેજરીવાલ) વતી દલાલીનું કામ કરતા હતા.
એક કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સોમવારે 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. કેજરીવાલને તેમની ઈડી કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈડીએ કોર્ટ પાસે કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરતા કહ્યું કે, પૂછપરછ દરમિયાન મુખ્યમંત્રીએ બિલકુલ સહયોગ નથી કર્યો.