અમદાવાદઃ
એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે 11- રાઉન્ડ ગુલમહોર ગોલ્ફ ઓફ ધ યર 2024માં ત્રીજા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 77 ગોલ્ફર્સે ભાગ લીધો હતો.
ચાર કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં દરેક સ્પર્ધક વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં રવિ શાહે 80 ગ્રોસ અને 38 (B9-23) પોઇન્ટ સાથે સ્પર્ધા જીતી હતી. અંકિત શાહ 83 ગ્રોસ અને 38 (B9-20) પોઇન્ટ સાથે કેટેગરીમાં રનર્સ અપ રહ્યા હતા.
15-23 હેન્ડીકેપ કેટેગરીમાં માઈકલ વેયર 86 ગ્રોસ અને 38 પોઇન્ટ સાથે ચાર્ટમાં ટોચ પર રહ્યાં. જ્યારે હાર્દિક પરીખ 88 ગ્રોસ અને 36 પોઇન્ટ સાથે રનર્સ અપ રહ્યા હતા.
24-36 હેન્ડીકેપ કેટેગરીમાં હિરેન ઠક્કર 95 ગ્રોસ અને 43 પોઇન્ટ સાથે વિજેતા થયા. જ્યારે નવજોત સિંહ ભામરા 97 ગ્રોસ અને 41 પોઇન્ટ સાથે રનર્સ અપ રહ્યા હતા.
ત્રણેય વિજેતાઓને 3,000 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા.જ્યારે રનર્સ અપને 1,800 પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા.
જુનિયર કેટેગરીમાં જૂહી માવાણી 89 ગ્રોસ અને 44 પોઇન્ટ સાથે વિજેતા બની હતી. યશ્વી શાહ 102 ગ્રોસ અને 42 પોઇન્ટ સાથે રનર્સ અપ રહી હતી. જુનિયર કેટેગરીમાં વિજેતાને 1,500 રિવોર્ડ પોઇન્ટ અને રનર્સ અપને 1,200 રિવોર્ડ પોઇન્ટ આપવામાં આવ્યા હતા. ચારેય કેટેગરીમાં 37 ગોલ્ફર્સને રિવોર્ડ પોઇન્ટ મળ્યા હતા.
કૌશલ્ય સ્પર્ધામાં અંશ જોબનપુત્રાએ 253 યાર્ડના શોટ સાથે હોલ નંબર 1 પર સૌથી લાંબી ડ્રાઇવ સાથે સ્પર્ધા જીતી. મોહન લાલે હોલ 3માં પાંચ ફૂટ અને 10 ઇંચના અંતરે બોલને લેન્ડ કરી સૌથી નજીક બોલ પિન કરવાની સ્પર્ઘા જીતી હતી. મીત માવાણીએ હોલ 9માં પાંચ ફૂટ અને 10 ઇંચના અંતરે બોલને લેન્ડ કરીને સૌથી નજીકના બીજા શોટ માટેની સ્પર્ધા જીતી હતી.