યુપી મદરેસા બોર્ડ પર હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ દ્વારા રોક

Spread the love

કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004 મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર સ્ટે આપ્યો

નવી દિલ્હી

સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશના 25 હજાર મદરેસામાં ભણતાં 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી હતી. કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004 મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર સ્ટે આપી દીધો છે. મદરેસા સંચાલકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે અલ્લાહાબાદ હાઈકોર્ટે મદરેસા એક્ટને એમ કહેતા રદ કરી દીધો હતો કે તે ગેરબંધારણીય છે અને સેક્યુલારિઝમ વિરુદ્ધ છે. હવે આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે સ્ટે આપતાં કેન્દ્ર સરકાર તથા યુપી સરકારને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. હવે આ મામલે 30 જૂન 2024 સુધીમાં જવાબ રજૂ કરવાનો રહેશે. 

સુપ્રીમકોર્ટની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે મદરેસા બોર્ડનો ઉદ્દેશ્ય નિયામક છે. અલ્લાહાબાદ હાઈકોર્ટનું એમ કહેવું પહેલી નજરે ઠીક નથી કે મદરેસા એજ્યુકેશન બોર્ડની રચના સેક્યુલારિઝમ વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ અલ્લાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે યુપી સરકારને આદેશ આપ્યો હતો કે તે મદરેસાના વિદ્યાર્થીઓને સામાન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરે અને તેમનું નોમિનેશન કરાવે. અલ્લાહાબાદ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે સરકાર પાસે એ સત્તા નથી કે તે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરે. આ ઉપરાંત સરકાર સ્કૂલના શિક્ષણ માટે કોઈ એવા બોર્ડની રચના ન કરી શકે જે હેઠળ કોઈ ખાસ ધર્મ અને તેના મૂલ્યોનું શિક્ષણ અપાતું હોય. હાઈકોર્ટના આ ચુકાદાને મદરેસા અજિજિયા ઈજાજતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. 

યુપી મદરેસા બોર્ડ વતી સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટને અધિકાર નથી કે તે એક્ટને રદ કરે. આ નિર્ણયથી રાજ્યમાં સંચાલિત 25000 મદરેસામાં ભણતાં 17 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. 2018માં યુપી સરકારના આદેશ મુજબ આ મદરેસામાં વિજ્ઞાન, પર્યાવરણ, મેથ એટલે કે ગણિત જેવા વિષય ભણાવાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *