ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા
વોશિંગ્ટન
ભારતે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા રોક લગાવવામાં આવી હતી. ભારતે આજે આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને સાથે ભારતીય રાજદ્વારીએ યુએનમાં જ સાજિદ મીરની ઓડિયો ક્લિપ પણ સંભળાવી હતી.
ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા છે. યુએનમાં ભારત વતી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે જો આપણે સ્થાપિત આતંકવાદીઓને યુએનની વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં સક્ષમ નથી, તો તે આનો સામનો કરવાની ઈચ્છાશક્તિનો અભાવ દર્શાવે છે. આ સાથે ભારતીય રાજદ્વારીએ યુએનમાં જ સાજિદ મીરની ઓડિયો ક્લિપ પણ ચલાવવામાં આવી હતી.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના આ પગલાની નિંદા કરી હતી. આ ઉપરાંત ભારતે યુએનમાં પાકિસ્તાન અને ચીન બંનેને અરીસો બતાવ્યો હતો. ભારતે આતંકવાદી સાજિદ મીરની ઓડિયો ક્લિપ સંભળાવી હતી જેમા આતંકવાદી સાજીદ મીર તેના અન્ય આતંકવાદીને ગોળી મારવા કહેતો સાંભળી શકાય છે.
પ્રકાશ ગુપ્તા દ્વારા ચલાવવામાં આવેલી ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે કે સાજિદ મીર મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓને કઈ રીતે સૂચનાઓ આપી રહ્યો હતો. ક્લિપમાં એક તબક્કે એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે તાજ હોટલમાં તમામ વિદેશીઓને મારી નાખવામાં આવે. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે ઘટનાના 15 વર્ષ બાદ પણ સાજિદ મીર આઝાદ ફરે છે. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે એક દેશમાં તેને તમામ સુવિધાઓ મળી રહી છે. આતંકવાદ પ્રત્યે આ બેવડા ધોરણોનો અભિગમ છે. આ ગુડ ટેરરિઝમ-બેડ ટેરરિઝમનો ખતરનાક કોન્સેપ્ટ છે.