14 જેટલા પૂર્વ સાથીઓએ કલબ સાથેના પ્રસંગ વાગોળ્યા
મોટા ભાગના નિવૃત્ત કે નિવૃત્તીને વયે પહોંચેલાને સિગારેટ-દારૂ જેવા કોઈ વ્યસન નહીં
વ્યસનોથી દૂર રહેવાની કોચ એમ.એસ કુરેશીની કડક શિસ્તે ખેલાડીઓના જીવનને સુંદર અને સ્વસ્થ બનાવ્યા
અમદાવાદ
12 જૂન શનિવાર 2024ની સાંજ અમદાવાદની રણજી ક્રિકેટ ક્લબના પૂર્વ ક્રિકેટર્સ માટે યાદગાર રહી. રવાડુ (રેસ્ટોરન્ટ)માં કલબના 14 પૂર્વ ક્રિકેટર્સનો એક મિલન સમારોહ યોજાયો. મનીષ શુક્લ (અમેરિકા)ના યજમાન પદે યોજયેલા આ મિલન સમારોહમાં 70થી 90ના દાયકા દરમિયાન રણજી ક્રિકેટ કલબમાં તાલીમ લઈ કલબ, શાળા અને કોલેજ જ બેન્કની ટીમોમાં પણ ક્રિકેટ રમીને યોગદાન આપનારા 14 પૂર્વ ક્રિકેટર્સ ભારે ઉમળકા સાથે અહીં હાજર રહ્યા. રાત્રી ભોજન બાદ રજવાડુના પ્રાંગણમાં આવેલા ખાટલા પર તમામે થોડા સમય માટે ક્લબ સાથેના સંસ્મરણો વાગોળ્યા. નિવૃત્ત કે નિવત્તીના ઉંબરે પહોંચેલા મિત્રોએ યુવાનોમાં વધતી વ્યસનની બદી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આરસીસીના હાજર રહેલા પૂર્વ ખેલાડીઓ (ફોટામાં ડાબેથી જમણે) લક્ષમણ દેસાઈ, ઉમેશ પટેલ (ગુજરાતના પૂર્વ રણજી ટ્રોફી પ્લેયર), નરેન્દ્ર આઈ.પંચોલી, તારક મહેતા, જયંતી વિસાવડિયા, ધર્મેન્દ્ર વાસણાવાલા,ઈકબાલ શેખ, મનીષ શુક્લ (યુએસ), ફારૂખ શેખ, હિતેશ પટેલ (પોચી), પ્રકાશ વરણ, સંજય લિંબાચિયા. પ્રવિણ પરમાર અને હર્ષાંગ મહેતા (તસવીરમાં સાથે નથી). સમાહોરમાં હાજર તમામે એક જ શહેરમાં રહેવા છતાં વર્ષોમાં એક બીજાને પ્રસંગ કે કપ્રસંગમાં મળતા મિત્રોની મુલાકાત ગોઠવવા બદલ મનીષ શુક્લનો તો આભાર માન્યો જ પણ અમદાવાદમાં પોસ્ટ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અને આરસીસીના મોટા પ્રમાણમાં સભ્યોને વોટ્સએપ ગ્રુપ દ્વારા સતત અપડેટ રાખતા અને આવા મિલનોમાં એક કોર્ડિનેટર તરીકે સુપેરે ભૂમિકા ભજવનારા ઈકબાલ શેખને તેમના આ પ્રયાસ માટે તમામ હાજર મિત્રોએ બિરદાવ્યા હતા.
પ્રવિણ પરમારે મુંબઈથી આવેલી ટીમના ખેલાડીનું બાઉન્સરથી મોથું ફોડ્યું હતું
આરસીસી માટે મુંબઈની એક ટીમ સામેની ગુજરાત કોલેજના એ મેદાન પર રમાયેલી એક મેચ અંગે ડાબોડી પેસર પ્રવિણ પરમારે યાદ અપાવ્યું કે 80ના દાયકામાં સ્થાનિક ક્રિકેટમાં હેલ્મેટનું ચલણ નહિવત હતું. વળી કુરેશી સાહેબ તો થાઈપેડ પણ પહેરવા દેતા નહતા. એવામાં ગુજરાત એ પર આરસીસીની ટીમની મુંબઈની એક ટીમ સામે મેચ હતી જેમાં ગુલામ પારકરના સબંધી વિકેટકીપર (શક્યતઃ લતિફ પારકર) અને વિજય મરચન્ટના સબંધી (શક્યતઃ ભત્રિજા) મિનાઝ મર્ચન્ટ મેચમાં આવ્યા હતા. મર્ચન્ટ બેટિંગમાં આવ્યા ત્યારે તેણે હેલ્મેટ તો પહેરી હતી અને ડંકન્સનું બેટ લઈને મેદાનમાં ઊતર્યા હતા. ડંકન્સનું બેટ પણ એ સમયે અમદાવાદના ગણ્યા ગાંઠ્યા ક્રિકેટર્સ પાસે હતા. પ્રવિણે મર્ચન્ટને એક બાઉન્સ નાખ્યો તો એ તેણે હુક કરીને એક ટપ્પે બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધો. મિડ વિકેટ પર ઊભેલા સાથી ક્રિકેટરે પ્રવિણને બાઉન્સ મોંઘો પડ્યો એમ કહ્યું તો પ્રવિણે તેનું માથુ ફોડી નાખશે એમ કહ્યું અને તરત જ બીજો બાઉન્સ મર્ચન્ટના હેલ્મેટ પર એટલો જોરથી વાગ્યો કે તેને કપાળના ભાગેથી લોહી નિકળતા મેદાન છોડવું પડ્યું. (શક્યતઃ બેટસમેનને ફ્રેકચર થયું હતું અને એ પછી મણિનગર રેલવે મેદાન પરની બીજી મેચ સમયે મુંબઈની ટીમના મેનેજરે આરસીસીના ખેલાડીઓને ડાબોડી પેસર ટીમમાં છે કે કેમ એમ પુછ્યું. જોકે. પ્રવિણ અસ્વસ્થ હોઈ એ મેચ રમ્યો નહતો)
લાંબા સમયે મળેલા મિત્રો પાસે અનેક યાદ કરવા લાયક પ્રસંગો હતા પણ સમયની મર્યાદા હોઈ બધા ફરી આવી મુલાકાત ગોઠવાય એવી અપેક્ષા સાથે હર્ષભેર છૂટા પડ્યા.