લાગોસ
નાઇજીરિયાના લાગોસ ખાતે યોજાયેલી WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં હરમિત દેસાઈ અને માનવ ઠક્કરની ભારતીય જોડીએ સાતમા ક્રમની નાઇજીરિયન જોડી અઝીઝ સોલાન્કે અને ઓલાજિડે ઓમોટોયાને 3-0થી હરાવીને મેન્સ ડબલ્સ ટાઇટલ જીતી લીધું હતું.
બીજા ક્રમની આ સુરતી જોડીએ અગાઉ સેમિફાઇનલમાં 15 ક્રમની ચીની જોડી યુડે કાંગ અને જિયાનકુન નિંગને 3-0 (11-4, 11-9, 11-5) થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતના આ બે ગુજરાતી ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટમાં એટલું વર્ચસ્વ જમાવી દીધું હતું કે તેઓ એક પણ ગેમ હાર્યા ન હતા.
રાઉન્ડ ઓફ 16માં હરમિત અને માનવે નાઇજીરિયાના રિલવાન અકનાબી અને એ અબ્દુલ્લાહીની જોડીને 3-0થી અને ક્વાર્ટર ફાઇનલમાં અન્ય એક નાઇજીરિયન જોડી મેથ્યુ ફાબુનમી અને અબ્દુલબાસીત અબ્દુલફતાતીને એ જ અંતરથી હરાવ્યા હતા.
મેન્સ ડબલ્સ ટાઇટલમાં હરમિતે બીજી વાર WTT કન્ટેન્ડર ટાઇટલ જીત્યું હતું જ્યારે માનવ માટે આ પ્રથમ WTT મેન્સ ડબલ્સ ટાઇટલ હતું.
“ઓલિમ્પિક્સ અગાઉ આ સફળતાથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. મેન્સ ઇવેન્ટમાં ડબલ્સની મેચ મહત્વપૂર્ણ બની રહેવાની છે. ચોક્કસપણે અમે અમારું આ ફોર્મ જાળવી રાખવા માગીશું.” તેમ 30 વર્ષીય હરમિતે જણાવ્યું હતું.
જે રીતે આ જોડીએ ત્વરિત રમત દાખવી તેનાથી માનવ ઠક્કર ખુશ જણાતો હતો. 24 વર્ષીય માનવે જણાવ્યું હતું કે “હું અને હરમિત એક વર્ષ બાદ ડબલ્સમાં રમી રહ્યા હતા પરંતુ અમે એક જ રાજ્યમાંથી રમી રહ્યા છીએ તેનાથી અમારી વચ્ચે સારી સમજૂતિ છે. તેમાંય ટુર્નામેન્ટમાં એક પણ ગેમ ગુમાવ્યા વિના ટાઇટલ જીતવું તે વધારાની સિદ્ધિ છે.”
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ હરમિત અને માનવની સિદ્ધિ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે “આ બે સુરતી ખેલાડીઓ દરરોજ અને દરેક મેચ બાદ વધુને વધુ બહેતર બનતા જાય છે. મને ખાતરી છે કે ભવિષ્યમાં તેઓ વધુ ઉંચાઈએ પહોંચશે.”