
ભરૂચ
ઓલિમ્પિક્સ તરફ સૌની નજર છે ત્યારે ભરૂચ ખાતે જીએનએફસી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ, જીએનએફસી ટાઉનશિપ ખાતે બીજીથી ચોથી ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે.



આ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર જીએનએફસી છે જેને સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ, જીએનએફસીનો સહકાર સાંપડેલો છે અને સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ પાર્ટનર છે.
આ ટુર્નામેન્ટમાં સૌની નજર અરાવલ્લીના જન્મેજય પટેલ પર રહેશે જેણે વડોદરા ખાતે યોજાયેલી ચોથી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું હતું. આ યુવાન અને પ્રતિભાશાળી ખેલાડી માત્ર 16 વર્ષની વયે સ્ટેટ ટાઇટલ જીતનારા ગણતરીના ખેલાડીઓમાં સામેલ છે. તે હાલમાં સ્ટેટ રેન્કિંગમાં બીજો ક્રમાંક ધરાવે છે. રાજકોટના જયનિલ મહેતા અને વડોદરાનો પ્રથમ માદલાણી પણ આ વખતે ટાઇટલ માટેના દાવેદાર છે.



વિમેન્સ કેટેગરીમા વડોદરામાં ટાઇટલ જીતનારી ફ્રેનાછ છિપીયા (સુરત) આ વખતે મજબૂત દાવેદાર મનાય છે. જોકે તેને ઓઇશિકી જોઆરદાર અને તેના જ શહેરની ફિલઝાહ ફાતીમા કાદરી તરફથી આકરો પડકાર મળે તેવી અપેક્ષા રખાય છે.
બીડીટીટીએના સેક્રેટરી બિરેન શાહે માહિતી આપી હતી કે આ ટુર્નામેન્ટ માટે 522 ખેલાડીઓએ પ્રવેશ મેળવ્યો છે. “આપણા ભારતીય ખેલાડીઓ પેરિસ ખાતેની ઓલિમ્પિકસમાં શાનદાર દેખાવ કરી રહ્યા છે ત્યારે રાજ્યના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે રાજયના ખેલાડીઓને શ્રેષ્ઠ સવલત પૂરી પાડવામાં આવશે” તેમ બિરેન શાહે ઉમેર્યું હતું.