અમદાવાદ
એસ ટેનિસ એકેડમી ખાતે રમાતી એસ મોલકેમ આઇટા ટેનિસ ટૂર્નામેન્ટમાં શનિવારે મહારાષ્ટ્રની ઐશ્વર્યા જાધવ અને તેજસ્વી ડાબાસ વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ રમાશે. ઐશ્વર્યા સામે મહારાષ્ટ્રની અન્ય ખેલાડી અસ્મી અડકરે ૩-૬, ૬-૨, ૪-૧ના સ્કોરે મેડિકલ ટાઈમ આઉટ લીધા બાદ મુકાબલાને પડતો મૂક્યો હતો. બીજી તરફ તેજસ્વીએ ગુજરાતની યુવા ખેલાડી શૈવી દલાલ સામે ત્રણ કલાક ૨૦ મિનિટના સંઘર્ષ બાદ ૨-૬, ૬-૧, ૭-૬ (૬)થી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. મેન્સ સિંગલ્સમાં ગુજરાતના માધવિન કામથે ડિમિટ્રી બાસ્કોવને ૭-૫, ૬-૪થી તથા તામિલનાડુના ટોચના ક્રમાંકિત વીએમ રણજિથે ગુજરાતના ધર્મિલ શાહને ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો. વિમેન્સ ડબલ્સમાં ઐશ્વર્યા જાધવ અને આકૃતિ સોનકુસારેની જોડીએ ખુશાલી મોદી અને સાહિતા સિંઘની જોડીને ૬-૪, ૬-૪થી તથા તેજસ્વી ડાબાસ અને ફિયોના શર્મા (હરિયાણા)ની જોડીએ ગુજરાતની ક્રિશા દલાલ અને સાવિ પંચાલીની જોડીને ૬-૨, ૬-૨થી પરાજય આપ્યો હતો. મેન્સ ડબલ્સમાં સૌર્યા માનિક અને નિશિથ નવીનની જોડીએ અર્જાન અભયંકર અને પાર્થની જોડીને ૬-૪, ૪-૬, ૧૦-૮ના સ્કોરથી તથા સંદેશ કુરાલે તથા અઝમીર શેખની જોડીએ ગુજરાતના માધવિન કામથ અને ધર્મિલ શાહની જોડીને ૪-૬, ૭-૬ (૯), ૧૧-૯ના સ્કોરથી હરાવી હતી. મેન્સ તથા વિમેન્સ બંનેમાં આજે ફાઇનલ મુકાબલા રમાશે.