પીસીબીએ અફઘાનિસ્તાન સામે વોર્મ-અપ મેચ રમવાની ના પાડી દીધી, પીસીબીએ તેની લેખિત માંગણી આઈસીસીને મોકલી
નવી દિલ્હી
ભારતની ધરતી પર ઓક્ટોબરમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક પછી એક નોંટકી કરી રહ્યું છે. પહેલા પાકિસ્તાને વર્લ્ડ કપમાં તેના બે સ્થળો બદલવાની માંગ કરી હતી અને હવે આ ટીમે અફઘાનિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે.
મળતી માહિતી પ્રમાણે પીસીબીએ અફઘાનિસ્તાન સામે વોર્મ-અપ મેચ રમવાની ના પાડી દીધી છે. પીસીબીએ તેની લેખિત માંગણી આઈસીસીને મોકલી છે.
હવે સવાલ એ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કેમ નથી ઈચ્છતું કે તેમની ટીમ અફઘાનિસ્તાન સામે રમે? પીસીબીની દલીલ છે કે, તેમની ટીમને અફઘાનિસ્તાન સાથે લીગ મેચ રમવાની છે, તેથી તેઓ બિન-એશિયન ટીમ સાથે વોર્મ-અપ મેચ રમવા માંગે છે.
આ સિવાય પાકિસ્તાની બોર્ડે આઈસીસી પાસે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની મેચનું વેન્યુ બદલવાની પણ માંગ કરી હતી. અહેવાલો અનુસાર, પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં મેચ રમવાનું છે અને અફઘાનિસ્તાન સાથે તેની ટક્કર ચેન્નાઈમાં થવાની છે.
પાકિસ્તાની ટીમ ચેન્નાઈમાં અફઘાનિસ્તાનનો સામનો કરતા ખચકાઈ રહી છે કારણ કે અફઘાનિસ્તાનના સ્પિનરો તેમને ત્યાં મુશ્કેલીમાં મૂકી શકે છે. ચેન્નાઈના નાના મેદાન પર ઓસ્ટ્રેલિયન બોલરો પાકિસ્તાની બોલરોની રમત બગાડી શકે છે.