આ દિવસે બાળકોએ સ્કૂલ બેગ વગર સ્કૂલમાં આવવાનું રહેશે અને પુસ્તકીય અભ્યાસથી અલગ વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવશે
બેંગલુરુ
બાળકો પર વધતા સ્કૂલ બેગના વજનને ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે. નવા નિર્દેશો પ્રમાણે હવે બાળકોના સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના 15 ટકાથી વધુ ન હોવું જોઈએ. રાજ્ય સરકારના આ નિયમથી બાળકોની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત વજન કરતાં વધી શકશે નહીં.
સ્કૂલ બેગનું વજન નિર્ધારિત કરવાની સાથે જ રાજ્ય સરકારે અઠવાડિયામાં એક દિવસ ‘નો બેગ ડે’ રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે. નિર્દેશ પ્રમાણે સ્કૂલોએ અઠવાડિયામાં એક વખત સામાન્ય રૂપે શનિવારે ‘નો બેગ ડે’ ઉજવવા માટે કહ્યું છે. આ દિવસે બાળકોએ સ્કૂલ બેગ વગર સ્કૂલમાં આવવાનું રહેશે અને પુસ્તકીય અભ્યાસથી અલગ વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવશે.
રાજ્ય સરકારે આ આદેશો ડો. વીપી નિરંજનરાધ્યા કમિટી દ્વારા આપેલી ભલામણોના આધારે જારી કર્યા છે. આ સમિતિની રચના રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ બેગના વજન પર આરોગ્ય પર થતી અસરનો અભ્યાસ કરવા માટે કરવામાં આવી હતી. કમિટીએ 2018-19 દરમિયાન તેનો અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો. જેના આધારે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. જારી કરાયેલી સૂચનાઓનો તેમના જિલ્લાઓમાં બ્લોક લેવલના શિક્ષણ અધિકારીઓ દ્વારા કડકપણે અમલ કરવાનો રહેશે.