ડાંગના એક નાનકડા ગામમાંથી આવતા ખેડૂત પુત્ર મુરલી ગાવિતે લોંગ ડિસ્ટન્સ રનિંગમાં રાજ્ય માટે અનેક મેડલ્સ મેળવ્યા છે
સાપુતારાનું સ્પોટર્સ કોમ્પલેક્સ તો જાણીતું છે જ પણ ડાંગના કેટલાક એથ્લેટ્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સિધ્ધિઓ મેળવી છે જેમાં લોંગ ડિસ્ટન્સ રનર મુરલી ગાવિતનું નામ ટોચ પર આવે છે. બાળપણમાં દૂધ લેવા માટે દોડતા જઈ 12 કિમીનું અંતર નિયમિત ખેડનારા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કુમારબંધ ગામના મુરલી તુળસ્યાભાઈ ગાવિતની એક આંતરરાષ્ટ્રીય લોંગ ડિસ્ટન્સ રનર તરીકેની સફર અત્યંત રોમંચક અને સંઘર્ષમય રહી છે. ગામમાં ખેતી કરતા પિતા તુળસ્યાભાઈ નવસુભાઈ અને માતા રૂખમાબહેન તથા ત્રણ ભાઈના પ્રોત્સાહનથી આર્ટસમાં ગ્રેજ્યુએટ મુરલીએ એથ્લેટિક્સમાં ગુજરાતના ડાંગ એક્સપ્રેસ તરીકેની વિશેષ ઓળખ ઊભી કરી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અનેક મેડલ્સ જીતનારા મુરલીની નજર 2026ની એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ મેળવવા પર તથા ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવવા પર છે.
મુરલીની સિધ્ધિઓ
સાઉથ એશિયન ચેમ્પિયનશિપ (સિલેક્શન) ભાગ લીધા બાદ 2015માં રાંચીમાં યોજાયેલી 31મી જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મુરલીએ 10000 મીટરમાં ગોલ્ડ અને 5000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોઈમ્બતુરમાં 32મી નેશનલ જુનિયર એથ્લેટિક્સમાં 2016માં મુરલીએ બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 2016માં જ બેંગલોર ખાતે મુરલીએ 14મી નેશનલ જુનિયર ફેડરેશન કપમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.2016માં વિયેતનામમાં 17મી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મુરલીએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મુરલીએ 2018માં 22મી ફેડરેશન કપ નેશનલ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પતિયાલા ખાતે 10000 મીટર મેન્સ કેટેગરીમાં 29.33.95 મિનિટના સમય સાથે સિલ્વર અને 5000 મીટરમાં 14.03.04 મિનિટના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 2018માં મુરલીએ નેધરલેન્ડમાં ગોલ્ડ સ્પાઈક ડચ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 10000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2019માં દોહા ખાતે તેણે 10000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેણે છેલ્લે ગોવામાં 2023માં નેશનલમાં 5000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
2026ની કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ પર નજર
કોવિડમાં ફસાયા બાદ સરકારી મદદથી રમતમાં આગળ વધવા પ્રતિબદ્ધ મુરલીની નજર હવે 2026ની કોમનવેલ્થ અને એશિયનગેમ્સ પર નજર છે. આના માટે તાલીમમાં કોઈ કચાશ ન રહે તે માટે મુરલીએ હાલના તબક્કે સરકારની નોકરીને ઓફર સ્વિકારવાના બદલે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્યાના ઈટેન અને તામિલનાડુના હાઈ અલ્ટિટ્યૂડ સેન્ટરમાં તાલીમ લઈ ચુકેલા મુરલી તેના આગામી લક્ષ્યોને પાર પાર પાડવા સાપુતારામાં સઘન તાલીમ અને પ્રેક્ટિસ કરી રહ્યો છે.
હવે મેરોથોન પર ફોક્સ
5000 અને 10000 મીટર રેસમાં અનેક મેડલ્સ જીતનારો મુરલી હવે 42 કિલોમીટર મેરાથોનમાં ભાગ લેવાનો ઈરાદો ધરાવે છે. આના માટે તેણે રોજ 10 કિમી દોડવા ઉપરાંતની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 2026માં કોમનવેલ્થ અને એશિયનગેમ્સમાં ક્વોલિફાય થવા પ્રતિબદ્ધ મુરલીનું કહેવું છે કે તે આ સ્પર્ધાઓમાં સફળતા મેળવવા સાથે 2028ના ઓલિમ્પિકના લક્ષ્યાંકને પાર પાડવા પ્રયત્નશીલ છે.
મેરાથોનના પડકાર
મેરાથોન તરફ ળેલા મુરલીનું કહેવું છે કે તે જાણે છે કે 42 કિમી.ની મેરાથોન તેના માટે પડકાર સમાન છે. હવે મેરોથોન દરમિયા ટ્રેક અને ટ્રેકની આસપાસ પાણી, સરબત અને અન્ય સુવિધાઓમાં ખુબજ સુધારો થયો છે છતાં 35 કિમીનું અંતર પાર કર્યા બાદ છેલ્લો પડાવ કોઈ પણ રનર માટે અત્યંત પડકારજનક હોય છે. તે તેના માટે સઘન તાલીમ લઈ રહ્યો છે.