ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં વર્તમાન મેન્સ ટીમ ચેમ્પિયન અમદાવાદ અને વિમેન્સ ટીમ ચેમ્પિયન સુરતને સેમિફાઇનલ સુધી પ્રવેશવામાં આસાન ડ્રો મળ્યા છે. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે 23થી 27મી સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે.
સ્ટેટ ટેબલ ટેનિસ કેલેન્ડરમાં સૌથી વધુ પોઇન્ટ અપાવનારી આ ટુર્નામેન્ટ જોડાક શિપિંગ પ્રા. લિ. દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે અને તેના સહ સ્પોન્સર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા એસોસિયેટ્સ સ્પોન્સર કિરણ ફાઉન્ડેશન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રહેશે.
પાંચ દિવસ ચાલનારી આ ચેમ્પિયનશિપમાં 520 ખેલાડીઓએ પ્રવેશ લીધો છે અને તે માટે કમસે કમ નવ સ્ટિગા ટેબલનો ઉપયોગ કરાશે. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અન કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનનો સહયોગ સાંપડેલો છે.
સોમવારે જોડાક શિપિંગ લાઇન પ્રા. લિ.ના બીડીએમ અમિત પૌલના હસ્તે ટુર્નામેન્ટ ઓપન જાહેર કરાઈ હતી જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજનલ મેનેજર મુકેશ કુમારના હસ્તે તેનું ઉદઘાટન થયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં મહેશ પૂજ (પ્રમુખ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ. મનીષ ગુપ્તા, ડાયરેક્ટર કિરણ ગ્રૂપ. ભિખુ અગ્રવાલ, ડાયરેક્ટર. એમઆર શાહ ગ્રૂપ. નરેશ બુલચંદાની, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, કેડીટીટીએ. અજય નાયર, ડાયરેક્ટર, વિનએશિયા મેરીટાઇમ પ્રા. લિ., જીગર પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ, જીએસટીટીએ. હરિ પિલ્લાઈ, સેક્રેટરી જીએસટીટીએ, મનીષ હિંગોરાણી, સેક્રેટરી કેડીટીટીએ, સુનીલ મેનન, જોઇન્ટ સેક્રેટરી, કેડીટીટીએ અને શ્રી મહેશ હિંગોરાણી, સ્થાપક સદસ્ય, કેડીટીટીએનો સમાવેશ થાય છે.