સૌ ભણે, આગળ વધેના સરકારી દાવા પોકળ, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વિકાસના નામે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે
નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાના માધ્યમથી રાજ્યના 1.20 લાખ કરતા વધુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને રૂ.12 કરોડ કરતા વધુની સહાય ચૂકવાઈ
અમદાવાદ
શાળાઓમાં વધતા ડ્રોપ રેટ સહિતની બાબતથી રાજ્યમાં શિક્ષણની કથળી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વણસતી સ્થિતિને થિગડાં મારવાનો પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં શાળાઓમાંથી ડ્રોપ આઉટ રેટની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે એવામાં સરકારે તાજેતરમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાના રુપાળા નામ સાથે તકનીકી શિક્ષણમાં રાજ્યને અગ્રેસર રાખવા ખાસ યોજના લાગુ કરી છે. આ યોજના અંતર્ગત અત્યારસુધીમાં રાજ્યના 1.20 લાખ કરતા વધુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને રૂ.12 કરોડ કરતા વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. જોકે, રાજ્યમાં શિક્ષણની જે સ્થિતિ છે એ જોતા આ સહાયથી તકનીકી અભ્યાસ ક્ષેત્રે રાતોરાત રાજ્યની પ્રગતિ થાય એ શક્યતા ખૂબજ ઓછી છે પરંતુ સરકારના આ પગલાંને સારી શરૂઆત તરીકે માનવામાં આવી રહી છે.
10 હજાર કરોડના ખર્ચ છતાં ડ્રોપઆઉટ રેટ વધ્યો
ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ સુધારવાને નામે વિદ્યા સમીક્ષા પ્રોજેક્ટમાં રૂ.10 હજાર કરોડ ખર્ચાઈ રહ્યાં છે. આમ છતાંય 2023નાં છેલ્લા આંકડા મુજબ ગુજરાતની સરખામણીમાં અન્ય મોટા રાજ્યોમાં શિક્ષણની સાથોસાથ ડ્રોપઆઉટની સ્થિતિ ઘણી સારી છે. રાજ્યમાં 1,657 કરતાં વધુ સરકારી સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે.
અન્ય રાજ્યો કરતા સ્થિતિ ખરાબ
ગુજરાતમાં ધોરણ 6થી10માં બીજા રાજ્યો કરતાં ડ્રોપઆઉટ રેટ ઘણો ઊંચો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હજારો કરોડો ખર્ચવા છતાં ડ્રોપઆઉટ રેટમાં રાજ્યનું નબળું ચિત્ર સામે આવ્યું છે. રાજ્યમાં પ્રાથમિક છોકરીઓનો અને સેકન્ડરીમાં છોકરાઓનો ડ્રોપઆઉટ રેટ વધારે છે.
માધ્યમિકમાં 17.9 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે
ગુજરાતમાં ધોરણ 6થી 8માં અર્થાત્ ઉચ્ચ પ્રાથમિકમાં 5 ટકા વિદ્યાર્થીઓ અને ધોરણ 9 અને 10માં યાને માધ્યમિકમાં 17.9 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. કેન્દ્ર સરકારે 2021-22ના ડ્રોપઆઉટ રેટ જાહેર કર્યા હતા, જે મુજબ ગુજરાતની આ સ્થિતિ છે. અખિલ ભારતીય સ્તર કરતાંય તથા અન્ય મોટા રાજ્યોની તુલનામાં પણ રાજ્યની સ્થિતિ બદતર છે. અખિલ ભારત સ્તરે ધો.6થી 8માં 3 ટકા અને ધોરણ 9થી 10માં 12.6 ટકા ડ્રોપઆઉટ રેટ છે. ધો.6થી 8માં રાજ્યનો 5 ટકા ઊંચો ડ્રોપઆઉટ રેટ દેશમાં મોટા રાજ્યોમાં બીજા નંબરે છે, પ્રથમ ક્રમે ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં સૌથી ઊંચો 8.8 ટકા ડ્રોપઆઉટ રેટ છે. જ્યારે ધો.9થી 10માં રાજ્યનો 17.9 ટકા ઊંચો ડ્રોપઆઉટ રેટ દેશમાં મોટા રાજ્યોમાં બિહાર અને પશ્ચિમ બંગાળ પછી ત્રીજા નંબરે છે.
2021-22માં ધો.1થી 5માં રાજ્યનો ડ્રોપઆઉટ રેટ શૂન્ય
અગાઉ વર્ષ 2020-21માં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં છોકરાઓનો 0.9 ટકા અને છોકરીઓનો 1.1 ટકા ડ્રોપઆઉટ રેટ હતો. 2021-22માં પ્રાથમિકમાં એટલે કે ધો.1થી 5માં રાજ્યનો ડ્રોપઆઉટ રેટ શૂન્ય છે, પણ ઉચ્ચ પ્રાથમિકમાં ધો.6થી 8માં છોકરાઓમાં 4.2 ટકા અને છોકરીઓમાં 5.8 ટકા ડ્રોપઆઉટ રેટ છે. એવી જ રીતે ધો.9થી 10માં રાજ્યમાં છોકરાઓમાં 19.4 ટકા અને છોકરીઓમાં 15.9 ટકા ડ્રોપઆઉટ રેટ છે. આનો મતલબ એ છે કે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ સ્તરે છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ છોકરાઓ કરતાં વધારે છે, પણ માધ્યમિક સ્તરે ધો.9થી 10માં ચિત્ર તદ્દન ઊંધુ થઈ જાય છે, છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ છોકરાઓ કરતાં 3.5 અંક નીચો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ડ્રોપઆઉટ રેટના આ આંકડા જાહેર કર્યા હતા.
યોજનાનો પ્રથમ વખત અમલ
આ વર્ષે જ પ્રથમવાર અમલી બનાવાયેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 20 સપ્ટેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યના ઉચ્ચતર માધ્યમિકના 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 12 કરોડ કરતા વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
યોજના અંતર્ગત સૌથી વધુ સુરત જિલ્લાના લાભાર્થીઓ
‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના હેઠળ સુરત જિલ્લામાં સૌથી વધુ 1૬,2૬5 વિદ્યાર્થીઓને રૂ.1.૬2 કરોડથી વધુની સહાય, અમદાવાદ જિલ્લામાં 10,411 વિદ્યાર્થીઓને રૂ.1.04 કરોડ, રાજકોટ જિલ્લામાં ૮,૬૯૭ વિદ્યાર્થીઓને રૂ.૮૬ લાખથી વધુ, બનાસકાંઠા જિલ્લામાં ૮,221 વિદ્યાર્થીઓને રૂ.૮2 લાખથી વધુ તેમજ નવસારી જિલ્લામાં ૬,5૬0 વિદ્યાર્થીઓને રૂ.૬5 લાખથી વધુની સહાય આમ રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ મળીને અંદાજિત 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ.12 કરોડ કરતા વધુની સહાય ચૂકવવામાં આવી છે.
બજેટમાં યોજના માટે 250 કરોડની જોગવાઈ
ચાલુ વર્ષ 2024-25ના બજેટમાં કુલ રૂ.250 કરોડની જોગવાઇ ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ માટે કરવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે, જેનું અમલીકરણ પ્રથમવાર શૈક્ષણિક વર્ષ:2024-25થી કરવામાં આવ્યું છે. આ યોજનાના અમલીકરણ થકી રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવેલ અને તકનીકી કૌશલ્ય ધરાવનાર યુવાધન માટે વિવિધ ક્ષેત્રોમાં વિપુલ તકો ઉપલબ્ધ થશે.
ધો.10માં 50 ટકાથી વધુ ગુણ મેળવનારાને લાભ
વધુમાં આ યોજનાનો લાભ જે વિદ્યાર્થીઓ ધો-10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી /અનુદાનિત/ સ્વ નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને કુલ રૂ. 25,000/- ની રકમ સહાય તરીકે ચૂકવવામાં આવે છે. આ રકમની ચૂકવણી સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે.