ગુજરાતમાં 35 કોલ સેન્ટર પર સીબીઆઈના દરોડા
સાયબર ક્રાઈમના કિસ્સા રાજ્યમાં ખૂબજ વધી રહ્યા છે, નકલી કોલ સેન્ટર્સ દ્વારા ચાલતા આ નેટવર્કને શોધવા અને તેમની સામે કાર્યવાહી કરવી પોલીસ માટે મોટો પડકાર છે
અમદાવાદ
અમદાવાદમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સીબીઆઇની 350થી વધુ લોકોની ટીમે ગુજરાતમાં મોટી રેડ પાડી છે. જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર ત્રાટકી દરોડા પાડ્યા છે. આ દરોડાની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે ત્યારે આવા સેન્ટર્સ પોલીસની પકડની બહાર કેમ છે અને તેઓ કઈ રીતે તેમનું કામ આટલી આસાનીતી ચલાવે છે તે જાણવું રસપ્રદ બની રહેશે.
અમદાવાદમાં કેમ પાડ્યા દરોડા?
છેલ્લા ઘણાં સમયથી સીબીઆઈ દ્વારા સાઈબર ફ્રોડના કેસ અને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીબીઆઈ વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી. જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલાં સીબીઆઈના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી.
કોલ સેન્ટરના માલિક અને પોલીસની સાંઠગાંઠની શંકા
અમદાવાદમાં એવા અનેક ગેરકાયદે કોલ સેન્ટર સંચાલિત છે જ્યાંથી અમેરિકા જેવા દેશોમાં કોલ કરીને લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે લોકોને ડરાવી-ધમકાવી કે ફસાવીને ઉઘરાણી કરવામાં આવે છે. તેમને લોન ઓફર કરીને તેમની પાસેથી પૈસા ઉઘરાવી લેવાતા હતા. જેની ઘણી ફરિયાદો મળી હતી. ડોલરમાં આવક મેળવનારા આવા કોલ સેન્ટર માલિકોની તંત્ર કે પોલીસ સાથે સાંઠગાંઠ હોય તેવું પણ બની શકે છે.
નકલી કોલ સેન્ટર્સ આસાનીથી પકડાતા નથી
મોટાં ભાગનાં આવાં કૉલ સેન્ટર ફાઇનાન્સ કંપનીના ઓથા હેઠળ કામ કરતાં હોય છે.
પ્રથમ નજરે જોતાં તેનું સેટઅપ સામાન્ય કૉલ સેન્ટર જેવું લાગે છે. તેઓ રાત્રે કામ કરતા હોવાથી લોકોની નજરમાં ઓછા આવે છે.
આ કંપનીઓ કોઈ જગ્યાએ રજિસ્ટર થઈ નથી હોતી. તેમાં કામ કરતા લોકો સારું બોલનારા, સારાં કપડાં પહેરનારાં અને મુખ્યત્વે યુવાન છોકરા-છોકરીઓ હોય છે.
ડેટા તેમજ રેડીમેડ સ્ક્રિપ્ટ એક ક્લાઉડ-બેસ્ડ સર્વર પર મૂકવામાં આવેલી હોય છે અને ગૂગલના ઇન્કૉગ્નિટો મોડમાં રહીને કામ કરતા હોય છે.
મોટા ભાગના આવા કૉલ સેન્ટરના લોકો પ્રોક્સી સર્વર મારફતે ડેટામાં મેળવેલા નંબર વગેરેને કન્ફર્મ કરતા હતા તેવું પોલીસને જાણવા મળ્યું હતું.
કૉલર ડાઇરેક્ટ ઇન્વાર્ડ ડાઇલિંગ કરતાં હોય છે. જેના કારણે સામેવાળી વ્યક્તિને પોતાની મોબાઇલ સ્ક્રીન પર યુએસનો જ નંબર દેખાતો હોય છે. આ ટૅક્નૉલૉજી મારફતે એક ટેલિફોન લાઇનમાં અનેક નંબરથી કૉલ કરી શકાય છે.
આ કેસમાં પકડાયેલા લોકો પર આઇટી ઍક્ટ અને આઇપીસીની વિવિધ કલમો લગાવવામાં આવે છે.
જેમાં 384(ઍક્ટોરશન), ચીટિંગ (420), ઓળખ છુપાવવી (419) વગેરે મુખ્ય હોય છે.
જોકે, આ ગુનાના વિક્ટિમ બીજા દેશોમાં હોવાથી પોલીસને હજી સુધી કોઈ ફરિયાદી મળ્યા નથી અને તેના કારણે આવાં કૉલ સેન્ટર કેટલા લોકોના પૈસા લઈ ચૂક્યા છે તેનો આંકડો પોલીસ પાસે નથી. આથી પકડાયેલા લોકોને સહેલાઈથી જામીન મળી જાય છે.
એફબીઆઈના ભારતમાં યુએસ ઍમ્બેસી સાથે સંકળાયેલા અધિકારીઓને અમદાવાદ પોલીસે થોડા સમય પહેલાં જ એક લિસ્ટ આપ્યું હતું, જેમાં અમેરિકામાં રહેતા અને આવી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની વિગત હતી.
પોલીસ માની રહી છે કે આ વિગતો મળતાં આ કેસમાં પકડાયેલા લોકો વિરુદ્ધમાં મજબૂત કેસ બનશે.
કોલ સેન્ટર્સની મોડસ ઓપરેન્ડી
હાલમાં અલગ અલગ પ્રકારના મોડસ ઓપરેન્ડીથી ફ્રોડ થઈ રહ્યા છે, જેમાં સૌથી વધુ પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપીને ખૂબ ઓછા સમયમાં વધુ રિટર્ન આપીને લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. ત્યારબાદ પૈસાનો ક્લેમ કરવામાં આવે તો પૈસા પરત આપવાની ના પાડી દે છે. જ્યારે બીજામાં જોબ ફ્રોડ પણ ખૂબ વધી ગયું છે અને એક કલાકમાં તમે 2000 રૂપિયા કમાઈ શકો તેવા કિસ્સામાં પણ લોકો પાસેથી ફાઈનાન્સિયલ ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.