ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર્સ પર ગાળિયો કસવા તંત્ર સજ્જ
ટોલ ફ્રી નંબર 1930 પર અંદાજે રોજની 300થી વધુ ફરિયાદો આવે છે, ટોલ ફ્રી સેવા ફ્રોડનો શિકાર બનનારા માટે સંજીવની સમાન
અમદાવાદ
કોલ સેન્ટર અથવા કોલ સેન્ટર એ એક સંચાલિત ક્ષમતા છે જે કેન્દ્રિય અથવા દૂરસ્થ હોઈ શકે છે જેનો ઉપયોગ ટેલિફોન દ્વારા મોટા પ્રમાણમાં પૂછપરછ મેળવવા અથવા ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. ઇનબાઉન્ડ કોલ સેન્ટરનું સંચાલન કંપની દ્વારા ઇનકમિંગ પ્રોડક્ટ અથવા સર્વિસ સપોર્ટ અથવા ગ્રાહકો પાસેથી માહિતીની પૂછપરછ માટે કરવામાં આવે છે. જોકે, કોલ સેન્ટરની આ વ્યાખ્યા તો કાયદેસરની માહિતી આપલે કરનારી કંપનીઓ માટે લાગુ પડે છે પરંતુ ગેરકાયદેસ રીતે ચાલતા આવા સેન્ટર્સ સામે સરકાર સક્રિય બની છે અને તેણે અનેક પગલાં પણ લીધા છે.
ગાંધીનગરમાં સીઆઈડી સાયબર સેલ
વિશ્વમાં હાલ ટેકનોલોજીનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ગઠિયાઓ પણ પૈસા કમાવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. જેમ જેમ સાયબરના કેસોમાં વધારો થયો તેમ રાજ્ય સરકારને પણ તમામ જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવાની ફરજ પડી હતી. ગાંધીનગરમાં સ્પેશિયલ સીઆઈડી સાયબર સેલ કાર્યરત છે. જેમાં ફરિયાદ માટે 1930 ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં રોજના 300 સાયબર ક્રાઈમ કોલ
રાજ્યમાં દૈનિક 300 સાયબર ક્રાઈમ કોલ આવતા હોવાનું સામે આવ્યું છે. ઓગસ્ટ 2023માં યુનિસેફ અને સ્ટેટ સાયબર સેલના અધિકારીઓ વચ્ચે ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં ફરિયાદી સાથે કેવી રીતે વાતચીત કરવી, કેવા કેસોમાં ફરિયાદીની કઈ રીતે મદદ કરવી તે બાબતની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આવી ટ્રેનિંગનું આયોજન વખતો વખત થતું રહે છે.
ન્યૂડ કોલ, ફાઈનાન્સિયલ ફ્રોડની સૌથી વધુ ફરિયાદ
સાયબર સેલ દ્વારા 1930 ટોલ ફ્રી નંબર પર 2023માં સમગ્ર ગુજરાતમાંથી દૈનિક ધોરણે 300થી વધુ ફોન સાયબર ક્રાઇમમાં આવ્યા. જ્યારે છેલ્લા સાયબર ક્રાઈમમાં 3 લાખ 17 હજારથી વધુ ફોન આવ્યા હતા. જેમાં ન્યૂડ કોલ, ફાઇનાન્સિયલ ફ્રોડના સૌથી વધુ ફરિયાદ સામે આવી છે.
ક્રિપ્ટો કરન્સીને લઈને સઘન તાલીમ
ક્રિપ્ટો કરન્સીનું ચલણ હાલમાં ખૂબ વધી ગયું છે. ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે કે ક્રિપ્ટોમાં ખરીદ વેચાણ કઈ રીતે થાય છે અને કયા પ્રકારના એક્સચેન્જનો ઉપયોગ થાય છે, કઈ રીતે માહિતી મેળવી શકીએ તે બાબતે પણ માહિતી સાથેની ટ્રેનિંગ પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે.
ટોલ ફ્રી નંબર ભોગ બનેલાઓ માટે સંજીવની
ટોલ ફ્રી નંબર સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો માટે એક સંજીવની સમાન સાબિત થયું છે. કારણ કે સમયસર આ નંબર ઉપર ફોન કરવાથી જે પણ ફ્રોડ થયો હોય તેને તાત્કાલિક ધોરણે રોકી શકાય છે. જો રોકી ન શકાય તો જે એકાઉન્ટમાં નાણાં ગયા છે તેને પણ તાત્કાલિક ધોરણે ફ્રીજ કરવામાં આવે છે.
ન્યૂડ કોલિંગના વધતા કિસ્સા
હાલમાં વર્તમાન સમયમાં ન્યૂડ વીડિયો કોલિંગ ચાલુ છે. તેમાં કોઈ વ્યક્તિ તમને સીધો કોલ કરે અને ત્યારબાદ તમારી જોડેથી રૂપિયા પડાવવાનો પ્રયત્ન કરે. જેમાં અલગ અલગ વિસ્તારના લોકો આઈડેન્ટીફાય થયા છે જેમાં મોસ્ટલી રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર વેસ્ટ બેંગોલના લોકો ગુજરાતમાં ફ્રોડ કરે છે.
સાયબર ક્રાઈમથી બચવા સાવચેતી જરૂરી
નાગરિકો જેટલી સાવચેતી રાખી શકે તેટલી વધુમાં વધુ સાવચેતી રાખવી જોઈએ. કોઈપણ પ્રકારની લાલચ અને ભયમાં આવવું જોઈએ નહીં. કોઈપણ ભૂલ થઈ ગઈ હોય તો તમે પહેલા નજીકના પોલીસ સ્ટેશન જઈને અથવા તો હેલ્પ લાઈન 1960 નંબર ઉપર ફોન કરીને તેની માહિતી આપી શકો છો. પરંતુ કોઈપણને આવી રીતે પૈસાનો વ્યવહાર કરવો નહીં. આમ જો તમે એક વખત તમે પૈસા આપશો તો તેઓ વારંવાર પૈસા પડાવશે.