રાજ્યમાં ગેરકાયદેસર કોલ સેન્ટર્સનું વ્યાપક નેટવર્ક
કોલ સેન્ટરમાં કામ કરવા ડીગ્રી નહીં, અંગ્રેજીમાં પ્રભુત્વ, આવડત-હિંમત જરૂરી
અમદાવાદ
રાજ્ય જ નહીં દેશભરમાં કોલસેન્ટર્સનું ચલણ વધ્યું છે. ઓનલાઈન કામ કરનારી કે કોઈ પણ સેવા પ્રદાન કરનારી કંપનીઓ માટે કોલ સેન્ટર અનિવાર્ય બની ગયા છે. આવા કોલ સેન્ટર્સ માટે કોઈ ખાસ ડીગ્રી કે અભ્યાસની જરૂર પડતી નથી. હા, અંગ્રેજી પર પ્રભુત્વ અને બોલવાની આવડત તેની પ્રાથમિક જરૂરીયાત છે. કાયદેસર કરતા ગેરકાયદેસ કોલ સેન્ટર્સમાં પગારના ધોરણ ઊંચા હોય છે. આવા કોલ સેન્ટર્સ ડેટા ક્યાંતી મેળવે છે અને પૈસાની હેરાફેરી કેવી રીતે થાય છે તેના પર એક નજર.
કોલ સેન્ટર્સમાં કામ કરવા માત્ર અંગ્રેજી પર પ્રભુત્વ જરૂરી
કોલ સેન્ટર્સમાં કામ કરતા લોકો કોઈ ક્ષેત્રના સ્નાતક હોય તે જરૂરી નથી, પરંતુ તેઓ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોય છે.
આ પ્રકારના કૉલ સેન્ટરમાં નોકરી કરતા સિનિયર લોકો જુનિયર્સને પોતાની બાજુમાં બેસાડીને કૉલ કરતા શીખવાડતા હોય છે.
આ માટે કોઈ ખાસ સ્કિલની જરૂર રહેતી નથી. તેમણે જોઈજોઈને શીખવાનું જ હોય છે, કારણ કે ઑર્ગેનાઇઝરે પ્રોસેસ ગોઠવી રાખી હોય છે.
ફેક કૉલ સેન્ટરમાં નોકરી કરતા યુવાનોનો પગાર આશરે 20,000થી 60,000 રૂપિયા હોય છે.
કોઈ ફ્રૅશરને જો અંગ્રેજી આવડતું હોય તો 15000 રૂપિયાથી શરૂઆત કરી શકે છે.
તેમણે અગાઉથી નક્કી કરેલી એક સ્ક્રિપ્ટને બોલ્યા કરવાનું હોય છે. આ લોકોને ઇન્ટરનલ રૅવન્યૂ ડિપાર્ટમેન્ટના અલગ-અલગ હોદ્દાઓ વિશે પણ માહિતી આપવામાં આવે છે.
તેઓ લોકોને કૉલ કરીને તેમને બિવડાવવાનું કામ કરતા હોય છે અને જ્યારે સામેવાળી વ્યક્તિ પૈસા આપવા તૈયાર થઈ જાય પછી ડીલને ક્લોઝ કરવા માટે કૉલ સેન્ટરના સિનિયર લોકો ફોન પર આવતા હોય છે.
જરૂરી માહિતી વીસ સેન્ટથી એક ડૉલરમાં વેચાય છે
જો ડેટા ન હોય તો આ ગુનો ન બની શકે. આ ગુના માટે પ્રથમ માર્કેટમાં ચોરાયેલો ડેટા ખરીદવાનો હોય છે, જેની વ્યવસ્થા કૉલ સેન્ટરના માલિક કરતા હોય છે. આ ડેટામાં મુખ્યત્વે લોકોનાં નામ, ફોન-નંબર અને ઘણી વખત સરનામું પણ હોય છે. જેમની કાર ચોરી થઈ હોય કે પછી જેમણે ટૅક્સની ચોરી કરી હોય તેવા લોકોની વિગતો માર્કેટમાં મોટા પ્રમાણમાં મળતી હોય છે.
દરેક ફોન-નંબર અને નામ વીસ સૅન્ટથી માંડીને એક ડૉલર સુધીમાં વેચાતા હોય છે. જેમ કે કોઈ ટૅક્સ ડિફોલ્ટરનો ફોન-નંબર જો પ્રથમ વખત કોઈના હાથમાં આવી રહ્યો હોય તો તેની કિંમત એક ડૉલર હોય છે. પરંતુ ત્યારબાદ તે નંબર જેમ જેમ અલગ-અલગ લોકો સુધી પહોંચતો જાય તેમ તેમ તેની કિંમત ઓછી થતી જાય છે.
ડેટા મેળવવાના ત્રણ રસ્તા
માર્કેટમાંથી ડેટા મેળવવાના મુખ્યત્વે ત્રણ રસ્તા છે. પ્રથમ તો કોઈ એજન્ટ મારફતે, પછી એવા હૅકર્સ કે જે અમેરિકા અને કેનેડાની વેબસાઇટ હૅક કરીને તેમાંથી ડેટા લિક કરીને વેચતા હોય છે અને ત્રીજો કોઈ પણ ઈ-કૉમર્સ વેબસાઇટ દ્વારા.
આ ડેટા સામાન્ય રીતે પેનડ્રાઇવ, હાર્ડડિસ્ક, ક્લાઉડ સ્ટોરેજ અથવા તો ઘણી વખત હાર્ડ કોપી દ્વારા પણ મળતા હોય છે.
આ ડેટાનો દુરુપયોગ કેવી રીતે થાય છે?
ઉદાહરણ તરીકે કોઈની કાર ચોરાઈ ગઈ છે અને તેણે પોલીસમાં ફરિયાદ કરી છે. પછી તેના પર આવા કોઈ કૉલ સેન્ટરથી ફોન આવે કે તેમની કારમાં ખૂનના ડાઘ મળ્યા છે, અને જો આ મેટર સેટલ કરવી હોય તો કેટલાક પૈસા આપો. લોકો કાયદાની આંટીઘૂંટીથી બચવા પૈસા ભરી દેતા હોય છે.
યુએસ, કેનેડાથી ચીન થઈને ભારત પૈસા આવે છે
અમેરિકા કે કેનેડાથી ચીન થઈને ભારતમાં પૈસા આવતા હોય છે.
સૌપ્રથમ તો પીડિતને એક ગૂગલ પે કાર્ડ ખરીદવાનું કહેવામાં આવે છે. આ પીડિત તે કાર્ડનો નંબર ભારતમાં બેઠા-બેઠા કૉલરને આપી દેતો હોય છે. આ નંબર પછી કોલર ચીનમાં બેઠેલા વેન્ડરને આપે છે.
આ વેન્ડર પણ આ ગુનામાં ભાગીદાર છે કે નહીં તે હજી તપાસનો વિષય છે. સૌપ્રથમ તો
આ વેન્ડર યૂએસ ડૉલરને ચાઇનાની કરન્સી આરએમબીમાં ફેરવી દે છે.
તેના માટે તેઓ ૨૦ ટકા જેટલું કમિશન લેતા હોય છે. આ ચાઇનીસ કરન્સીને પછી ભારતમાં બેઠેલી વ્યક્તિના ખાતામાં ભારતીય કરન્સીમાં હવાલા મારફતે ફેરવવામાં આવે છે.
પૈસા ટ્રાન્સફર કરવાની આ મૉડસ ઑપરેન્ડીમાં સામેલ લોકોને પકડવા મુશ્કેલ છે.