સર્ચ ઓપરેશનમાં પોલીસને સાહુમફાઈ ગામમાં ડાંગરના ખેતરમાંથી ત્રણ 51એમએમમોર્ટાર શેલ, ત્રણ 84 એમએમમોર્ટાર શેલ અને આઈઈડીમળી આવ્યા

ઈમ્ફાલ
મણિપુરમાં લગભગ 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન પોલીસ અને સુરક્ષા દળોએ પણ આતંકવાદીઓ સામે કાર્યવાહી ઝડપી કરી છે. સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં હિંસાગ્રસ્ત મણિપુરના વિવિધ જિલ્લાઓમાં આતંકવાદીઓ દ્વારા બાંધવામાં આવેલા 12 બંકરોને નષ્ટ કરી દીધા છે.
મણિપુર પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદન પ્રમાણે, રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોએ તામેંગલોંગ, ઈમ્ફાલ ઈસ્ટ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 12 બંકરો નષ્ટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સર્ચ ઓપરેશન દરમિયાન, પોલીસને સાહુમફાઈ ગામમાં ડાંગરના ખેતરમાંથી ત્રણ 51એમએમમોર્ટાર શેલ, ત્રણ 84 એમએમમોર્ટાર શેલ અને આઈઈડીમળી આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ ટીમે આઈઈડીનો પણ નાશ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ હજુ સ્થિતિ નોર્મલ થઇ નથી પરંતુ પરિસ્થિતિને નિયંત્રણ કરવામાં આવી છે, કેટલીક જગ્યાએ છૂટાછવાયા બનાવો બન્યા છે પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે. પોલીસે કર્ફ્યુ ઉલ્લંઘન, ઘરોમાં ચોરી, આગચંપી જેવા કેસમાં 135 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 1100 હથિયારો, 13702 દારૂગોળો અને વિવિધ પ્રકારના 250 બોમ્બ મળી આવ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં ફ્લેગ માર્ચ, ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
