બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં નૉમિની જાહેર કરાયાં, વોટિંગ શરૂ

Spread the love

નવી દિલ્હી

ભારતમાં મહિલા ઍથ્લીટોની અદ્ભુત સિદ્ધિઓની ઉજવણી અને સન્માન કરવા માટે બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઍવૉર્ડ પોતાના પાંચમા સંસ્કરણ સાથે પરત ફર્યો છે.

2024નાં નૉમિની છે : ગોલ્ફર અદિતિ અશોક, શૂટર મનુ ભાકર અને અવની લેખરા, ક્રિકેટર સ્મૃતિ મંધાના અને કુસ્તીબાજ વીનેશ ફોગાટ. આ બધાં ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે પોતાના આગવા યોગદાન માટે જાણીતાં છે. ઍવૉર્ડ માટેનાં આ નૉમિનીને ખ્યાત સ્પૉર્ટ્સ પત્રકાર અને લેખકોની જૂરી દ્વારા શૉર્ટલિસ્ટ કરાયાં છે.

બીબીસી ન્યૂઝનાં ડેપ્યુટી ગ્લોબલ ડિરેક્ટર ફિઓના ક્રેકે કહ્યું : “પોતાના પાંચમા વર્ષમાં બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ સ્પૉર્ટ્સ ક્ષેત્રે મહિલાઓની સિદ્ધિઓને સૌની સામે લાવવામાં અભૂતપૂર્વ સાબિત થયો છે. આ ઍવૉર્ડે આખા દેશનાં ઘણાં પ્રેરણાદાયક સ્પૉર્ટ્સ સ્ટારોના યોગદાનને બિરદાવ્યું છે. અમે આ વર્ષના ઍવૉર્ડનાં નૉમિની જાહેર કરતાં ખૂબ ખુશી અનુભવીએ છીએ તેમજ આખી દુનિયાને તેમનાં પ્રતિભા અને સમર્પણની ઝલક બતાવવા આતુર છીએ.”

કલેક્ટિવ ન્યૂઝરૂમનાં સીઇઓ રૂપા ઝા જણાવે છે, “હું એ વાતથી ઘણી ઉત્સાહિત છું કે ISWOTY ઍવૉર્ડ્સે તેમની અદ્ભુત સિદ્ધિઓની નોંધ લઈને આ પથપ્રદર્શક મહિલા ઍથ્લીટોનું સન્માન કરવાનું ચાલુ રાખ્યું છે. આ પુરસ્કારો સમાવેશીપણાને પ્રોત્સાહિત કરવાની સાથોસાથ લિંગસંબંધી રૂઢીઓને તોડવા અને મહિલા સ્પૉર્ટ્સને વધુ લોકો સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.”

બીબીસીની ભારતીય ભાષાઓની વેબસાઇટ્સ અને બીબીસી ન્યૂઝ સ્પૉર્ટ્સ પર જાહેર વોટિંગ શરૂ થઈ ગયું છે. 31 જાન્યુઆરીના રોજ ભારતીય સમયાનુસાર રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધી વોટિંગ કરી શકાશે.

પોતાનાં પસંદગીનાં ઍથ્લીટને મત આપવા માટે બધા આમંત્રિત છે. 17 ફેબ્રુઆરીના રોજ બીબીસી ISWOTY ઍવૉર્ડ્સ સમારોહમાં વિજેતાનું નામ જાહેર કરાશે.

લોકો દ્વારા વોટિંગ બદલ અપાનારા ઍવૉર્ડ ઉપરાંત પણ ત્રણ ઍવૉર્ડ આપવામાં આવશે, જેમાં બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર કે જે યુવા મહિલા ઍથ્લીટના ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ આપવામાં આવશે, બીબીસી લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડ કે જે વરિષ્ઠ મહિલા ખેલાડીને તેમના ખેલજગતને આપેલા પ્રદાન બદલ આપવામાં આવશે અને બીબીસી પેરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ કે જે પેરાસ્પૉર્ટ્સમાં મહિલા ખેલાડી દ્વારા આપવામાં આવેલા ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ આપવામાં આવશે.

બીબીસી ISWOTYનું આ વર્ષનું પરિશિષ્ટ હશે ચૅમ્પિયન્સનોના ચૅમ્પ્યિન, જેમાં એક ખાસ ડૉક્યુમેન્ટરી અને સ્પૉર્ટ્સ ચૅમ્પિયનો બનાવવા મહેનત કરતા પડદા પાછળના લોકોના યોગદાની નોંધ લેતી કહાણીઓ સામેલ હશે.

નૉમિની અંગેની માહિતી :

26 વર્ષીય અદિતિ અશોક મહિલા ગૉલ્ફક્ષેત્રે ભારતનાં સૌથી તેજસ્વી ખેલાડી છે. 18 વર્ષની વયે તેઓ વર્ષ 2016માં રિયો ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવાન ગૉલ્ફરો પૈકી એક હતાં. 2020ના ટોક્યો ઑલિમ્પિકમાં તેઓ ચોથા ક્રમે રહ્યાં હતાં, જ્યારે વર્ષ 2023ની એશિયન ગેમ્સમાં તેમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. જોકે, વર્ષ 2024માં પોતાના ત્રીજા ઑલિમ્પિકમાં તેઓ મેડલ જીતી શક્યાં નહોતાં. પાંચ લેડીઝ યુરોપિયન ટૂર (એલઇટી) વિજય અને પ્રતિષ્ઠિત અર્જુન ઍવૉર્ડ મેળવનાર અદિતિ પ્રેરણા આપવાની સાથોસાથ ભારતમાં મહિલા ગૉલ્ફક્ષેત્રે આગેવાની લઈ રહ્યાં છે.

22 વર્ષીય મનુ ભાકર આઝાદી બાદથી અત્યાર સુધી એક જ ઑલિમ્પિકમાં બે પદક મેળવનારાં પ્રથમ ભારતીય ખેલાડી છે. તેમને વર્ષ 2024માં પેરિસ ઑલિમ્પિકમાં પિસ્તોલ શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. તેમણે માત્ર 16 વર્ષની ઉંમરે એટલે કે સૌથી નાની વયે વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો હતો. અર્જુન ઍવૉર્ડવિજેતા એવાં મનુ ભાકરને વર્ષ 2021નો બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ પણ મળી ચૂક્યો છે. 17 જાન્યુઆરી, 2025ના રોજ તેમને ખેલરત્ન સન્માન પણ મળવાનું છે.

23 વર્ષીય અવની લેખરા પેરાઑલિમ્પિકમાં ત્રણ મેડલ મેળવનારાં મહિલા પેરા સ્પૉર્ટ્સ સ્ટાર છે. પૅરાલિમ્પિક મેડલ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય શૂટર છે. તેમણે શોખ તરીકે શૂટિંગની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ઝડપથી આ રમતમાં નિપુણતા હાંસલ કરી લીધી. 2020ની પૅરાલિમ્પિક ગેમ્સમાં તેમણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તે બાદ તેમણે 2022 એશિયન પૅરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2024ના પેરિસ ઑલિમ્પિકમાં તેમણે પોતાના ખાતામાં ગોલ્ડ મેડલનો ઉમેરો કર્યો. તેમની અદ્ભુત સિદ્ધિઓની કદરરૂપે તેમને પદ્મશ્રી અને ખેલરત્ન પુરસ્કારોથી સન્માનિત કરાયાં છે.

28 વર્ષીય સ્મૃતિ મંધાના ભારતનાં ટોચનાં મહિલા ક્રિકેટરો પૈકી એક છે. વર્ષ 2024માં તેમણે એક જ વર્ષમાં ચાર વનડે ઇન્ટરનૅશનલ સદી નોંધાવી વિક્રમ સર્જ્યો હતો. કૅપ્ટન તરીકે તેઓ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુની ટીમને વીમેન્સ પ્રિમિયર લીગના ખિતાબ સુધી દોરી ગયાં હતાં અને એશિયન ગેમ્સમાં ભારતીય ટીમને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2022 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર ટીમનાં પણ તેઓ ભાગ હતાં. વર્ષ 2018 અને 2022માં તેઓ આઇસીસી વીમેન ક્રિકેટર ઑફ ધ યરનો ખિતાબ બબ્બે વખત મેળવી ઇતિહાસ રચી ચૂક્યાં છે. તેઓ દેશની અસંખ્ય યુવતીઓ અને પોતાની ટીમ માટે એક પ્રેરણાસ્રોત બની ચૂક્યાં છે.

30 વર્ષીય વીનેશ ફોગાટ એ ત્રણ વખત ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને ભારતના ટોચના કુસ્તીબાજો પૈકી એક છે. ઑલિમ્પિક કુસ્તીબાજી ઇવેન્ટની ફાઇનલ સુધી પહોંચીને તેમણે આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે ઇતિહાસ રચ્યો હતો. વર્ષ 2019 અને 2022માં તેઓ વર્લ્ડ ચૅમ્પ્યિશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યાં છે. આ સિવાય વર્ષ 2014, 2018 અને 2022માં તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે. તેઓ હરિયાણાથી કૉંગ્રેસનાં ધારાસભ્ય પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *