ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણમાં ટીએમસીના એક કાર્યકરનું ગોળી વાગવાના કારણે મોત, અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયાના અહેવાલ
કોલકાતા
પંચાયત ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો જોવા મળ્યા હતા. કૂચબિહારના દિનહાટામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલીના એક દિવસ બાદ અહીં હિંસા ફેલાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, અહીં ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ટીએમસીના એક કાર્યકરનું ગોળી વાગવાના કારણે મોત પણ થયું હતું. સાથે અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયાના અહેવાલો અમલી રહ્યા છે.
બંગાળમાં 8મી જુલાઈએ પંચાયત ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાન પહેલા નોમિનેશન દરમિયાન રાજ્યભરમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. હિંસાની આ ઘટનાઓમાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, આજે સવારે દિનહાટાના જરીધલ્લામાં આ હિંસા ફેલાઈ હતી. અહીં બે જૂથો સામસામે આવી ગયા હતા. આ પછી ફાયરિંગ પણ થયું હતું. મળતી માહિતી મુજબ ફાયરિંગના કારણે 5 લોકો ઘાયલ થયા છે. તેમાંથી એક બાબુ હક મૃત્યુ પામ્યો છે. આ સ્થળ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદની સૌથી નજીક છે. અહીં પહોંચવાનું બોટ એકમાત્ર સાધન છે. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.
એટલું જ નહીં, આ ઘટનામાં સ્થાનિક નેતાઓ દ્વારા બાંગ્લાદેશી ગુનેગારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. જોકે હવે સ્થિતિ કાબુમાં છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.