રિઝર્વ બેંકની 21 વર્ષીય દિયા ચિતાલેએ વિમેન્સ ટાઇટલ જીત્યું
સુરત
ગુજરાતના પ્રતિભાશાળી પેડલર માનુષ શાહે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)નું પ્રતિનિધિત્વ કરતાં ટેબલ ટેનિસમાં પોતાનું વર્ચસ્વ જમાવીને અહીં યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયન્સનું ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે દિલ્હીના પાયસ જૈનને હરાવ્યો હતો. માનુષ માટે આ પ્રથમ નેશનલ ટાઇટલ હતું. વિમેન્સનું સિંગલ્સ ટાઈટલ રિઝર્વ બેંકની 21 વર્ષીય દિયા ચિતાલેએ જીત્યુ હતું. આ ટુર્નામેન્ટ અહીંના પંડીત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 19મીથી 26મી જાન્યુઆરી દરમિયાન યોજાઈ હતી. રવિવારે તેની ફાઇનલ મેચ હતી.
આ પ્રતિષ્ઠિત ચેમ્પિનશિપ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત (ટીટીએએસડી)ના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ થયું હતું. જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)નો સહકાર સાંપડ્યો હોતો.
આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) હતા અને હીરો તેના સ્પોન્સર હતા અને કો-સ્પોન્સર એનજે ગ્રૂપ હતું તો એસોસિયેટ્સ સ્પોન્સરમાં ગુજરાત ટુરિઝમ, ઓએનજીસી, પ્રતિભા ગ્રૂપ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામેલ હતા, સ્ટિગા ઇક્વિપમેન્ટ સ્પોન્સર હતા જ્યારે SIDS હોસ્પિટલ મેડીકલ પાર્ટનર હતા.
વિશ્વમાં 78મો ક્રમાંક ધરાવતા વડોદરાનો માનુષ રોમાંચક બનેલી પ્રથમ ગેમમાં 20 વર્ષીય દિલ્હીસ્થિત પાયસ સામે હારી ગયો હતો પરંતુ આ ડાબોડી ખેલાડીએ ત્યાંથી જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. તેણે આગામી ચાર ગેમ જીતીને બાજી પલટી નાખી હતી અને ટાઇટલની સાથે 3.20 લાખની ઇનામી રકમ પણ જીતી હતી.
સળંગ બીજા વર્ષે ગુજરાતના ખેલાડીએ મેન્સ નેશનલ ટ્રોફી હાંસલ કરી હતી. સુરતના હરમિત દેસાઈએ 2023માં પંચકુલા ખાતે યોજાયેલી 85મી સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી હતી.
દરમિયાન માનુષ શાહની આરબીઆઈની સાથી દિયા ચિતાલેએ પણ તેની કારકિર્દીમાં પહેલી વાર નેશનલ ટાઇટલ જીત્યું હતું અને ફાઇનલમાં તેની જ ટીમ આરબીઆઈની શ્રીજા અકુલાને 4-3થી હરાવી હતી. તેણે પણ માનુષની માફક 3.2 લાખનો પુરસ્કાર જીત્યો હતો.
માનુષની સફળતા બાદ તરત જ જીએસટીટીએએ તેના માટે 2.5 લાખના પુરસ્કારની જાહેરાત કરી હતી તો તેના વડોદરાના એસોસિયેશન ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા (ટીટીએબી)એ 1.5 લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી હતી.
“તાજેતરમાં જ હું મારી કારકિર્દીના સર્વોચ્ચ એવા 78મા વિશ્વ ક્રમાંકે પહોંચ્યો હતો અને હું છેલ્લા છ મહિનાથી શાનદાર રમત દાખવી રહ્યો છું તથા એ જ ફોર્મ મેં આ ચેમ્પિયનશિપમાં આગળ ધપાવ્યું છે” તેમ 24 વર્ષીય માનુષે જણાવ્યું હતું.
જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ આ પ્રસંગે ગુજરાતમાં જ યોજાયેલી ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીઓની શાનદાર સફળતાને બિરદાવી હતી. “ડોમેસ્ટિક સરકિટનું સૌથી મોટું ટાઇટલ આપણાં જ માનુષે જીત્યું છે તે રાજ્ય માટે મોટી સફળતા છે અને તેમાંય ગુજરાતની વિમેન્સ ટીમની બ્રોન્ઝ મેડલની સફળતા સોનામાં સુગંધ સમાન છે.” તેમ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.
આયોજન સચિવ કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે આ મેગા ઇવેન્ટના આયોજન બદલ તેમને ઘણો સુંદર પ્રતિસાદ સાંપડ્યો છે. ખેલાડીઓ અને ઓફિશિયલ્સ તરફથી પણ જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી હું ખૂબ રોમાંચિત છું તેમ સંગતાણીએ ઉમેર્યું હતું.
ફાઇનલ્સના પરિણામઃ
મેન્સ સિંગલ્સઃ માનુષ શાહ (રિઝર્વ બેંક) જીત્યા વિરુદ્ધ પાયસ જૈન (દિલ્હી) 4-1 (10-12, 11-6, 11-6, 12-10, 11-8).
વિમેન્સ સિંગલ્સઃ દિયા ચિતાલે (રિઝર્વ બેંક) જીત્યા વિરુદ્ધ શ્રીજા અકુલા (રિઝર્વ બેંક) 4-3 (10-12, 8-11, 13-11, 12-10, 11-8, 9-11, 11-9).
મિક્સ ડબલ્સઃ આકાશ પાલ/પોયમાન્ટી બૈસ્ય જીત્યા વિરુદ્ધ જશ મોદી/તનિશા કોટેચા 3-0 (11-5, 11-6, 11-4).