10,000 અમેરિકી એચ-1બી વિઝાધારકોને કેનેડામાં કામની મંજૂરી અપાશે

Spread the love

એચ-1બી વિઝાધારકોના પરિવારના સભ્યોને પણ અભ્યાસ કે વર્ક પરમિટ અપાશે


ટોરેન્ટો
કેનેડા સરકારે એક ઓપન વર્ક પરમિટ સ્ટ્રીમ બનાવવાની તૈયારી કરી છે. તેની મદદથી 10,000 અમેરિકી એચ-1બી વિઝાધારકોને કેનેડા આવીને કામ કરવાની મંજૂરી અપાશે. આ જાહેરાત મંગળવારે કેનેડાના ઈમિગ્રેશન મંત્રી શોન ફ્રેઝરે કરી હતી. સત્તાવાર નોટિફિકેશનમાં કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રાલયે કહ્યું કે આ કાર્યક્રમ હેઠળ એચ-1બી વિઝાધારકોના પરિવારના સભ્યોને પણ અભ્યાસ કે વર્ક પરમિટ અપાશે.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે હાઈટેક ક્ષેત્રોમાં હજારો કર્મચારી એવી કંપનીઓમાં કામ કરી રહ્યા છે જેમનું કેનેડા અને અમેરિકા બંનેમાં ઘણું કામ હોય છે અને અમેરિકામાં કામ કરનારા લોકો અનેકવાર એચ-1બી વિશેષ વ્યવસાય વિઝા ધરાવે છે. 16 જુલાઈ 2023 સુધીમાં અમેરિકામાં હાજર એચ-1બી વિશેષ વ્યવસાય વિઝાધારક અને તેમની સાથે રહેતા પરિવારના નજીકના સભ્યો કેનેડા આવવા માટે અરજીને લાયક ગણાશે.
જે અરજદારોને મંજૂરી મળી જશે તેમને નવા નિર્ણય હેઠળ ત્રણ વર્ષના સમયગાળા માટે ઓપન વર્ક પરમિટ અપાશે. તેઓ કેનેડામાં ગમે ત્યાં ગમે તે નોકરીદાતા માટે કામ કરવામાં સક્ષમ ગણાશે. તેમના પતિ કે પત્ની અને આશ્રિતો પણ જરૂરિયાત અનુસાર કામ કે અભ્યાસની પરમિટ સાથે અસ્થાયી આવાસ વિઝા માટે અરજી કરવાને પાત્ર ગણાશે. શોન ફ્રેઝરે કહ્યું કે સરકાર આ વર્ષના અંત સુધી દુનિયાના અમુક સૌથી પ્રતિભાશાળી લોકો માટે ઈમિગ્રેશન સ્ટ્રીમ વિકસાવશે જે ટેક કંપનીઓ માટે કામ કરવા માટે કેનેડા આવી શકશે. ભલે પછી તેમની નોકરી હોય કે ન હોય. જોકે તેને લાયક કોણ હશે અને કોણ નહીં હોય અને કેટલા લોકોને સ્ટ્રીમમાં પ્રવેશ અપાશે તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી નહોતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *