પરિણીતી અને રાઘવ આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જવાની તૈયારીમાં, ઉદયપુરમાં લગ્ન કરે એવી શખ્યતા
મુંબઈ
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ઇન્ડસ્ટ્રીનું સૌથી નવું કપલ છે. હાલમાં જ દિલ્હીમાં એક ભવ્ય સમારંભમાં બંનેની સગાઈ થઈ હતી. આ સમારોહમાં રાજકીય ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ પહોંચી હતી. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા જોનસ પણ સગાઈમાં સામેલ થઇ હતી. પરિણીતી અને રાઘવ આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જવાની તૈયારીમાં છે. તેઓ તાજેતરમાં ઉદયપુરથી પાછા ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાં તેઓ તેમના લગ્નના સ્પોટની શોધમાં ગયા હોવાનું કહેવાય છે. હવે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. ત્યાંથી બંનેની ઘણી ફોટોસ સામે આવી છે.
અમૃતસરની ફોટોસમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સુવર્ણ મંદિરમાં સાથે ફરતા જોવા મળી રહ્યા છે. ઓફ-વ્હાઇટ સલવાર કમીઝ અને માથાની આસપાસ લપેટાયેલ દુપટ્ટામાં પરિણીતી ખુબ સુંદર દેખાઈ રહી છે. બીજી તરફ, રાઘવ ચઢ્ઢા સફેદ કુર્તા પાયજામા અને ગ્રે નેહરુ જેકેટમાં સજ્જ છે અને માથે નારંગી કપડું બાંધેલું છે. બંને હાથ જોડીને ચાલી રહ્યા છે.
આ દરમિયાન એવી અટકળો છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ વર્ષે સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે રાજસ્થાનમાં લગ્ન કરશે. પરિણીતી ઉદયપુરમાં પર્યટન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરને મળી હતી અને સારી જગ્યાઓ અને હોટલ વિશે પૂછપરછ કરી હતી. પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન પણ રાજસ્થાનમાં થયા હતા.