પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરીના કામ માટે જિલ્લામથક ભુજ સુધી ધક્કો હવે બચી જશે

ગાંધીનગર
અંજાર ગાંઘીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોને હવેથી જીજે-39 તરીકે નવી ઓળખ મળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટો છે. ઉપરાંત રાજ્યનો ટ્રાન્સપોર્ટ વાહન ધરાવતો પહેલા નંબરનો જિલ્લો છે. એવામાં પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરીના કામ માટે જિલ્લામથક ભુજ સુધી ધક્કો ખાવો પડતો હતો.
જે સમસ્યાની સુવિધાના ભાગરૂપે પૂર્વ કચ્છના અંજાર ખાતે નવી સહાયક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ કચેરી) નિર્માણ પામી હતી. મહત્વનું છે કે, લોકો લાયસન્સ અને અન્ય સંબંધિત પ્રક્રિયાઓ માટે અંજાર આરટીઓ ખાતેથી લાભ લઈ રહ્યા છે, સાથે જ નવી કચેરી સાથે પૂર્વ કચ્છને નવા આરટીઓ કોડ જીજે-39 પણ મળ્યો છે.