2030 સુધી તેઓ કોઈ જાતની ચૂંટણીમાં ઉમેદવારી નહી નોંધાવી શકે, સાત ન્યાયાધીશોની બેન્ચે પાંચ વિરુધ્ધ બે મતથી આ ચુકાદો આપ્યો
બ્રાઝિલ
બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે.
સાત જજોની બેન્ચે બોલસોનારો પર આગામી આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. 2030 સુધી તેઓ કોઈ જાતની ચૂંટણીમાં ઉમેદવારી નહી નોંધાવી શકે. સાત ન્યાયાધીશોની બેન્ચે પાંચ વિરુધ્ધ બે મતથી આ ચુકાદો આપ્યો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ પર પોતાના હોદ્દાનો દુરપયોગ કરવાનો આરોપ હતો અને કોર્ટે આ આરોપ સાચા હોવાનુ સ્વીકારીને ચુકાદો આપ્યો હતો. હવે બોલસોનારો 2026માં યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરી શકે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે, બોલસોનારોએ પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને ચૂંટણી જીતવા માટે સરકારી માધ્યમોની મદદ લીધી હતી.
બ્રાઝિલની યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના અધ્યાપક કાર્લોસ મેલોનુ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે બોલસોનારોની ફરી રાષ્ટ્રપતિ બનવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયુ છે અને બોલસોનારો પોતે પણ આ વાતને સારી રીતે જાણે છે. હવે તેઓ જેલની સજા ના થાય તે માટે પ્રયત્નો કરશે. પોતાનો રાજકીય વારસો જળવાઈ રહે તે માટે કેટલાક નિકટના વ્યક્તિઓને આગળ કરશે પણ તેઓ પોતે રાષ્ટ્રપતિ બને તેવી શક્યતાઓ હવે બહુ ઓછી છે.
બોલસોનારો સામે જે આરોપ છે તે મામલો 2022નો છે. જેમાં બોલસોનારોએ વિદેશી રાજદૂતોને દેશની ઈ વોટિંગ સિસ્ટમમાં ગરબડ થઈ છે તેવુ બતાવવા માટે સરકારી ટીવી ચેનલ અને રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનનો ઉપયોગ કર્યો હતો.
કોર્ટનુ કહેવુ છે કે, જે પણ આરોપ છે તે સાચા છે અને રાષ્ટ્રપતિના મહેલમાં બોલાવવામાં આવેલી બેઠક રાષ્ટ્રપતિના આમંત્રણથી જ બોલાવવામાં આવી હતી.