મહારાષ્ટ્રના લોકોએ એકતાની તાકાત બતાવવી પડશે, ચૂંટાયેલી સરકારોને પણ પાડી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે, આ સાંખી નહીં લેવાય
સતારા
શરદ પવાર મહારાષ્ટ્રના સતારા પહોંચ્યા છે. અહીં તેઓ એક મોટી સભાને સંબોધી રહ્યા છે. તેમની આ સભાને શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ તેમના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવારે બળવો પોકારતાં ભાજપ અને શિન્દે જૂથના નેતૃત્વ હેઠળની સરકારમાં ભાગીદારી મેળવી લેતાં ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમની સાથે એનસીપી અન્ય 8 નેતાઓએ પણ આ દરમિયાન મંત્રી પદના શપથ લઈ લીધા હતા.
એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે ભાજપ સમાજમાં ખાઈ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે અમારે નવી શરૂઆત કરવી છે. હવે મહારાષ્ટ્રના લોકોએ એકતાની તાકાત બતાવવી પડશે. ચૂંટાયેલી સરકારોને પણ પાડી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સાંખી નહીં લેવાય. અમારી વિચારધારા સાંપ્રદાયિકતા અને જાતિવાદની વિરુદ્ધ છે. અમે વડીલોના આશીર્વાદ સાથે નવી શરૂઆત કરીશું. તેમણે કહ્યું કે દેશને જાતિ અને ધર્મના આધારે વિભાજિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ દરમિયાન મહારાષ્ટ્રના એનસીપીના અધ્યક્ષ જયંત પાટિલેે મોટો દાવો કરતાં કહ્યું કે શરદ પવાર જૂથને 44 ધારાસભ્યોએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ અહેવાલ અજિત પવાર માટે મોટા આંચકા સમાન સાબિત થઇ શકે છે. તેમણે કહ્યું કે જે લોકો છોડીને ગયા હતા તે પાછા આવી ગયા છે.