બળવાખોર સભ્યોને અયોગ્ય જાહેર કરવાની અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલી દેવામાં આવી હોવાની પક્ષની સ્પષ્ટતા
મુંબઈ
મહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે તેમની પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ બળવાખોર નેતાઓને અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ અરજી કરી છે. રવિવારે મોડી રાત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા પાટીલે કહ્યું કે અયોગ્ય જાહેર કરવાની અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલી દેવામાં આવી છે.
જયંત પાટીલે કહ્યું કે ચૂંટણી પંચને પણ એક ઈ-મેલ મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એનસીપીની લગામ હાલમાં પાર્ટીના વડા શરદ પવાર પાસે જ છે. પાટીલે કહ્યું કે એનસીપીના આ ધારાસભ્યોને ગદ્દાર ન કહી શકાય નહીં કારણ કે તેમનો વિશ્વાસઘાત હજુ સાબિત થવાનો બાકી છે.
એનસીપી પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે ઘણા લોકો અમારા સંપર્કમાં છે. અમે સ્પીકર સમક્ષ અજિત પવાર અને અન્ય 8 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા માટેની અરજી કરી છે અને જલદી જ તેની હાર્ડકોપી મોકલીશું. કુલ 9 નેતાઓ સામે આ અરજી દાખલ કરાઇ છે. આ નેતાઓએ કોઈને કહ્યું નથી કે તેઓ પાર્ટી છોડી રહ્યા છે, જે એનસીપી વિરુદ્ધ છે. અમે ભારતના ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે. અમને વિશ્વાસ છે કે મોટાભાગના ધારાસભ્યો એનસીપીમાં પાછા આવશે અને અમે તેમને ફરીથી પ્રવેશ આપીશું.
આ પહેલા એનસીપી નેતા અજિત પવારે રવિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે પાર્ટીના અન્ય આઠ ધારાસભ્યો પણ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ સરકારમાં જોડાયા હતા. અજિત પવારે કહ્યું કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે અને તેઓ પક્ષ તરીકે શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા છે. નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્યો મારી સાથે છે. અમે અહીં એક પક્ષ તરીકે આવ્યા છીએ. અમે તમામ વરિષ્ઠોને પણ જાણ કરી છે. લોકશાહીમાં બહુમતીને મહત્વ આપવામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષ જૂની છે અને યુવા નેતૃત્વએ આગળ આવવું જોઈએ. આગામી વિસ્તરણમાં કેટલાક વધુ મંત્રીઓ ઉમેરવામાં આવશે.