સીઆરએસએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી
બાલાસોર
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના એક મહિના પછી કમિશનર ઑફ રેલવે સેફ્ટી (સીઆરએસ) એ અકસ્માત માટે ‘માનવીય ભૂલ’ ને જવાબદાર ગણાવી છે. આ સાથે સીઆરએસએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 293 લોકોના મોત થયા હતા જ્યારે 1,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) પહેલાથી જ આ દુર્ઘટનામાં ગુનાઈત ષડયંત્રની કોઈ શક્યતાની તપાસ કરી રહી છે. જાણકારોના મતે તપાસમાં કેટલાક અધિકારીઓની બેદરકારી સામે આવી છે. અધિકારીઓએ નિરીક્ષણ દરમિયાન પૂરતી સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કર્યું ન હતું. ખાસ કરીને ત્રણ વર્ષ પહેલાં જ્યારે સુરક્ષાની ચિંતાઓને કારણે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ યોગ્ય પરીક્ષણ કર્યું ન હતું.
અધિકારીઓએ કહ્યું છે કે માત્ર સિગ્નલિંગ વિભાગના લોકોએ જ સલામતી ધોરણોની અવગણના કરી ન હતી પરંતુ અન્ય લોકોએ પણ તેના પર ધ્યાન આપ્યું નહોતું. રેલ્વે મંત્રાલય આ અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે. એક અધિકારીએ જણાવ્યું કે પહેલા કેન્દ્રીય ટીમ ભૂલને પકડવામાં નિષ્ફળ રહી અને બાદમાં વાર્ષિક તપાસમાં પણ તેને પકડી શકાઈ નહીં. તેથી એમ કહી શકાય કે તે એક વ્યક્તિની ભૂલનું પરિણામ નથી, ઓછામાં ઓછા 5 લોકોએ ભૂલ કરી છે.
અધિકારીએ કહ્યું કે રેલ્વે સીબીઆઈ તપાસમાં કોઈ પ્રભાવ કે દખલ ન થાય તેની ખાતરી કરવા માટે સીઆરએસ રિપોર્ટને સાર્વજનિક નહીં કરે. સીઆરએસ રિપોર્ટના તારણો અને ત્યારબાદ CBI રિપોર્ટ ભારતીય રેલવેને તેની સુરક્ષા પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રેલ્વે સ્ટીલ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ ટેકનોલોજી અને સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાતી રેલ્વે સુરક્ષા પ્રણાલીઓ પર વિચાર કરી રહી છે.