ચીન પાકિસ્તાન જ નહીં પણ દુનિયાભરમાં મીડિયા પર કંટ્રોલ કરીને પોતાની ઈમેજ ચમકાવવા માટે ધમપછાડા કરી રહ્યુ છે
ઈસ્લામાબાદ
મિત્રતાના નામે પાકિસ્તાનનો ભરડો લેનાર ચીન હવે પાકિસ્તાનના મીડિયાને પણ અંકુશમાં લેવા માટે પ્રયાસો કરી રહ્યુ છે તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ચીન પાકિસ્તાન જ નહીં પણ દુનિયાભરમાં મીડિયા પર કંટ્રોલ કરીને પોતાની ઈમેજ ચમકાવવા માટે ધમપછાડા કરી રહ્યુ છે અને આ માટે તે ગમે તે હદ સુધી જવા માટે તૈયાર છે. ભારતમાં આવા જ એક મીડિયા સંસ્થાન પર ચીન પાસેથી ફંડિંગ લેવા બદલ કાર્યવાહી થઈ છે.
દરમિયાન પાકિસ્તાનમાં ચીને મીડિયા સેક્ટરમાં સારી એવી ઘૂસણખોરી કરી લીધી છે. સૌથી આસાન રસ્તો મીડિયામાં મૂડીરોકાણ કરવાનો છે અને તેના પર ચીન આગળ વધી રહ્યુ છે. ચીને મીડિયા કંપનીઓમાં હિસ્સેદારી મેળવી લીધી છે. સ્થાનિક મીડિયા સંગઠનો સાથે ભાગીદારી કરી છે અને તેનો ઉપયોગ પાકિસ્તાનમાં પોતાની છબી ઉજળી કરનારા કન્ટેન્ટને મીડિયા થકી લોકો સામે રજૂ કરવા માટે ચીન કરી શકે છે.
ચીને પોતાની સરકારી મીડિયાનુ પણ પાકિસ્તાનમાં મોટાપાયે વિસ્તરણ શરુ કર્યુ છે. પાકિસ્તાનમાં સરકારી મીડિયાની ઓફિસો શરુ કરવામાં આવી છે . જેથી ચીનનો પ્રોપોગન્ડા પાકિસ્તાની લોકોના માથે મારી શકાય.
ચીન દ્વારા પાકિસ્તાનમાં ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર સહિતના ઘણા પ્રોજેકટો હાથમાં લેવાયેલા છે. ચીન મીડિયાનો ઉપયોગ કરીને આ પ્રોજેકટો માટે પાકિસ્તાનના લોકોનુ વલણ બદરલવા માંગે છે. ચીનના હસ્તક્ષેપની અસર પાક મીડિયામાં દેખાઈ પણ રહી છે.
પાકિસ્તાનના મીડિયામાં ચીનની નીતિઓ, યોજનાઓ અને માનવધિકાર જેવા મુદ્દાઓ પર ચીનની ટીકા કરતુ કવરેજ બંધ થઈ રહ્યુ છે. આમ પહેલેથી જ સ્વતંત્રતા માટે ઝઝૂમી રહેલા પાકિસ્તાની મીડિયા પરનો ખતરો ઓર વધી ગયો છે.