હાઈકોર્ટના પૂર્વ રજિસ્ટ્રાર મુસ્તાક અહેમદને 15 વર્ષની સખત કેદની સજા અને રકીબુલ હસન ઉર્ફે રણજીત કોહલીની માતા કોસલ રાનીને 10 વર્ષની સજા

રાંચી
નેશનલ શૂટર તારા શાહદેવ ધર્મ પરિવર્તન મામલે સીબીઆઈ કોર્ટે આજે સજા સંભળાવી છે. નેશનલ શૂટર તારા શાહદેવને 9 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી રણજીત કોહલી ઉર્ફે રકીબુલ હસનને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે હાઈકોર્ટના પૂર્વ રજિસ્ટ્રાર મુસ્તાક અહેમદને 15 વર્ષની સખત કેદની સજા અને રકીબુલ હસન ઉર્ફે રણજીત કોહલીની માતા કોસલ રાનીને 10 વર્ષની સજા ફટકારી છે. રણજીત કોહલી ઉર્ફે રકીબુલ હસનના વકીલ મુખ્તાર ખાને કહ્યું કે, તેઓ આ સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે. કોર્ટે ત્રણેયને અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. ત્રણેયને કલમ 120બી, 376(2)એન, 298 અને 496 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
આ કેસમાં રણજીત કોહલી ઉર્ફે રકીબુલની સાથે હાઈકોર્ટના બરતરફ પૂર્વ રજિસ્ટ્રાર મુશ્તાક અહેમદ અને કોહલીની માતા કૌશલ રાની આરોપી હતા. સીબીઆઈએ આ કેસને 2015માં ટેક ઓવર કર્યો હતો. સીબીઆઈ દ્વારા આરોપો સાબિત કરવા માટે કુલ 26 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે 4 સાક્ષીઓ રજૂ કર્યા હતા. આ સાક્ષીઓના નિવેદનો અને સીબીઆઈ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલા પુરાવાના આધારે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ મામલે 2014માં રાંચીના હિંદપીઢી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
ટ્રાયલનો સામનો કરી રહેલા આરોપીઓ પર ઈરાદાપૂર્વના ષડયંત્ર હેઠળ તારા શાહદેવ સાથે મારપીટ કરવી, ધર્મ પરિવર્તન કરવા માટે ત્રાસ આપવો અને તેની સાથે છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપો પ્રમાણે 7 જુલાઈ 2014ના રોજ તારા શાહદેવ અને રકીબુલ ઉર્ફે રંજીત કોહલીના લગ્ન હિન્દુ રીતિ-રિવાજ સાથે થયા હતા. પરંતુ લગ્નના બીજા દિવસથી જ રકીબુલ અને મુશ્તાક અહેમદે તારાને ઈસ્લામ ધર્મ પ્રમાણે નિકાહ કરવા અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કરી દીધુ હતું. આરોપ હતો કે, તારા લગ્નના થોડા દિવસો બાદ જ્યારે તે મુશ્તાક અહેમદના ઘરે ઈફ્તાર પાર્ટીમાં ગઈ હતી ત્યારે મુશ્તાક અહેમદે તેની ખોટા ઈરાદાથી છેડતી કરી હતી.