ભારતની 2024ની ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ, 1.20 લાખ કરોડનો ખર્ચ થશે

Spread the love

અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણો ખર્ચ હશે, રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડ તેમજ અન્ય માધ્યમથી કરોડો રૂપિયા એકઠા કર્યા છે

નવી દિલ્હી

 લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેને પગલે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ બન્ને હાલ ચૂંટણી માટે તૈયાર થઇ ગયા છે. એવામાં એક અનુમાન છે કે ભારતમાં યોજાનારી લોકસભાની આ ચૂંટણી વિશ્વની તમામ ચૂંટણીઓ કરતા સૌથી ખર્ચાળ સાબિત થશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી પાછળ આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી શકે છે. જે અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણા હશે. રાજકીય પક્ષોએ ચૂંટણી બોન્ડ તેમજ અન્ય માધ્યમથી કરોડો રૂપિયા એકઠા કર્યા છે. તેથી આ ચૂંટણીમાં પાણીની જેમ રૂપિયા વહાવવામાં આવશે. 

સેંટર ફોર મીડિયા સ્ટડીઝ તેમજ એડીઆર દ્વારા લોકસભાની ચૂંટણી પાછળ વિવિધ રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ દ્વારા થનારા અનુમાનિત ખર્ચના આંકડા જાહેર કર્યા છે. મીડિયા સ્ટડીઝના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જો આટલો ખર્ચો થશે તો ભારતની આ ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ સાબિત થશે. એટલુ જ નહીં પાંચ વર્ષમાં ચૂંટણી પાછળનો ખર્ચો બમણો થવા જઇ રહ્યો છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પાછળ ૬૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હોવાનું અનુમાન સામે આવ્યું હતું. જ્યારે ૨૦૧૪માં આ આંકડો ૩૦ હજાર કરોડ રૂપિયા હતો. એટલે કે દર પાંચ વર્ષે ખર્ચનો આંકડો બમણી ગતિએ આગળ વધી રહ્યો છે.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કરાવવાનો તમામ ખર્ચો સરકારો ઉઠાવતી હોય છે. લોકસભાની ચૂંટણીનો ખર્ચો કેન્દ્ર સરકાર જ્યારે વિધાનસભાની ચૂંટણીનો ખર્ચો રાજ્ય સરકાર ઉઠાવે છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર દેશમાં પ્રથમ વખત જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે તેનો ખર્ચ માત્ર ૧૦.૪૫ કરોડ રૂપિયા આવ્યો હતો. ૨૦૦૪માં આ આંકડો પ્રથમ વખત એક હજાર કરોડ રૂપિયાને પાર પહોંચ્યો હતો. તે સમયે ૧૦૧૬ કરોડ રૂપિયા ખર્ચ કરાયો હતો. બાદમાં ૨૦૦૯માં આ રકમ ૧૧૧૫ કરોડ રૂપિયા પર પહોંચી હતી. તેથી ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન કોઇ મોટા ફેરફાર ખર્ચામાં જોવા નહોતા મળ્યા. પણ ૨૦૧૪ બાદ લોકસભાની ચૂંટણી પાછળ થતો ખર્ચો બમણી ગતિએ વધી રહ્યો છે. 

જ્યારે અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના રિપોર્ટમાં રાજકીય પક્ષોના ખર્ચાની તેમજ મેળવેલા ફંડની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી સમયે તમામ રાજકીય પક્ષોએ મળીને ૬૪૦૫ કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું હતું જ્યારે ૨૫૯૧ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. રિપોર્ટ અનુસાર સાત રાષ્ટ્રીય પક્ષોએ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ૫૫૪૪ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા જેમાં માત્ર ભાજપને જ ૪૦૫૭ કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૧૧૬૭ કરોડ રૂપિયા મળ્યા હતા. તેની સામે ખર્ચા પર નજર કરીએ તો ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૧૧૪૨ કરોડ રૂપિયાનો ખર્યો કર્યો હોવાના આંકડા જાહેર કર્યા હતા, જ્યારે કોંગ્રેસના ખર્ચની રકમ ૬૨૬ કરોડ રૂપિયા હતી. 

ભાજપે ૩૦૩ બેઠકો પર જીત મેળવી હતી, તે જોતા તેને એક બેઠક સરેરાશ પોણા ચાર કરોડ રૂપિયામાં પડી હતી. કોંગ્રેસે બાવન બેઠકો મેળવી હતી. આ વખતની લોકસભાની ચૂંટણીમાં આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનુ અનુમાન છે, જેમાં ચૂંટણી પંચના ખર્ચનો હિસ્સો માત્ર ૨૦ ટકા જ હશે, બાકીના ૮૦ ટકા રાજકીય પક્ષો દ્વારા ખર્ચો થવાનું અનુમાન છે. નોંધનીય છે કે ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ આપવાની યોજના ચલાવાય છે. જેની પાછળ ત્રણ મહિને આશરે ૪૬ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. તેથી લોકસભાની ચૂંટણીમાં જેટલી રકમનો ખર્ચો થવાનું અનુમાન છે એટલી રકમથી દેશના ૮૦ કરોડ ગરીબોને આઠ મહિના સુધી મફત અનાજ આપી શકાય.      

ચૂંટણી પંચ આ તમામ ખર્ચો ચૂંટણી પ્રક્રિયા પાછળ કરે છે. જેમાં મતદાન માટે ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીનોની ખરીદી, સુરક્ષા દળોની તૈનાતી કરવી, ચૂંટણી માટે અન્ય સામગ્રીઓની ખરીદી કરવી વગેરે પાછળ ખર્ચો કરવામાં આવે છે. 

જ્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચો કરતા હોય છે. ચૂંટણી પંચે લોકસભાના એક ઉમેદવાર માટે ૯૫ લાખ રૂપિયાના ખર્ચની રકમ નક્કી કરી છે. તેનાથી વધુ ખર્ચ ના કરી શકે. જોકે રાજકીય પક્ષોના ખર્ચાની કોઇ મર્યાદા નથી, તેથી તેઓ બેફામ ખર્ચો કરતા હોય છે. રાજકીય પક્ષોનો સૌથી વધુ ખર્ચો ત્રણ બાબતો પર થતો હોય છે જેમાં એક છે પબ્લિસિટી કરવી, બીજો ખર્ચો ઉમેદવારો પર થતો હોય છે અને ત્રીજો સૌથી મોટો ખર્ચો ટ્રાવેલિંગ પાછળ થતો હોય છે. સ્ટાર પ્રચારકો અનેક રેલીઓ કરતા હોય છે, તેના આયોજનથી લઇને નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટર વગેરે સંસાધનો પાછળ બેફામ ખર્ચો કરાતો હોય છે. આ ખર્ચાની રકમ બહાર આવતી હોય છે, જ્યારે ઘણા છુપા ખર્ચાઓ હોય છે તેની રકમ બહાર નથી આવતી. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *