સરકારે જીએસટીના દર ઘટાડતા તેનો લાભ ગ્રાહકોને બદલે વેપારીઓ ઓળવી જાય છે, જૂના પેકેટ પર કંપની જૂનું વજન અને જૂની એમઆરપી હટાવતી નથી અને નવી એમઆરપી-વજન પાછળ જૂનાની નીચે પ્રિન્ટ કરે છે પણ વેપારીઓ ખાસ કરીને મોલ્સમાં જુની એમઆરપીથી જ ઓછા વજન-ઓછી કિંમત વાળો માલ પધરાવાય છે
અમદાવાદ
નરેન્દ્ર આઈ. પંચોલી
ગ્રાહકો સાથે છેતરપિંડીના ઉત્પાદકોથી લઈને વેપારી નવા નવા પેંતરા કરતા હોય છે. જોકે, આના માટે એક રીતે ગ્રાહક પણ જવાબદાર છે એમ કહી શકાય કેમકે ગ્રાહક મોટે ભાગે ખરીદી કરતી વખતે પેકિંગ પર લખેલી એમઆરપી, વજન સહિતની જરૂરી વિગતો ધ્યાનથી જોતા નથી અને એના લીધે તેઓ આસાનીથી છેતરપિંડીનો શિકર બનતા હોય છે. તાજેતરમાં જ એક ગ્રાહકે એક ખૂબજ જાણીતા ( આ પ્રકારની છેતરપિંડી અનેક મોલ્સ કે વેપારીઓ દ્વારા પણ થતી હોઈ શકે છે તેથી મોલનું નામ લખ્યું નથી) મોલ્સમાંથી એક જાણીતી બ્રાન્ડ (આ પ્રકારની હરકત (કહેવાતી ભૂલ) અનેક કંપનીઓથી થઈ હોઈ શકે છે તેથી જેતે કંપનીનું નામ પણ આપ્યું નથી)નું સેવમમરાના પેકેટ પર જૂદા જુદા બે વજન અને બે એમઆરપી લખેલું ખરીદી લીધું. જોકે, જાગૃત ગ્રાહકે આ મામલે મોલ્સના વહિવટીતંત્ર અને કંપનીની હેલ્પલાઈન પર રજૂઆત કરીને મોલ્સ અને વેપારીઓને આ પ્રકારની બાબતોથી કઈ રીતે પોતાનો નફો વધારી દે છે એના પર પ્રકાશ પાડ્યો હતો. કંપનીની બેદરકારી અને વેપારીઓની ચાલાકીએથી તેમને બખ્ખાં પડી ગયા હતા અને તેઓએ ગ્રાહકોની જાગૃતીમાં અભાવનો ભરપૂર લાભ ઊઠાવી સરકારે જીએસટીમાં આપેલા લાભ પોતાના ખિસ્સામાં સેરવી લીધો હોવાનું બહાર આવ્યું છે.


શું છે સમગ્ર ઘટના?
નારણપુરા વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે તેના નજીકના એક માલમાંથી એક જાણીતી કંપનીનું સેવમમરાનું પેકેટ ખરીદ્યું હતું. આ પેકેટના આગળના ભાગે ખૂણાંમાં 50 રૂપિયાની એમઆરપી મોટા અક્ષરે લખી હતી. મોલ તરફથી ડિસ્કાઉન્ટ પેટે તેને 2.50 પૈસા કાપીને 47.50 રુપિયામાં પેકેટ વેચવામાં આવ્યું. ગ્રાહકે ઘરે આવીને જોયું તો પેકેટના પાછળના ભાગે બે એમઆરપી 50 અને 45 રુપિયા અને બે જુદા વજન 250 ગ્રામ અને 240 ગ્રામ પ્રિન્ટ કરાયેલા હતા.
ગ્રાહકે શું કર્યું?
ગ્રાહકને છેતરાયા હોવાનું જણાતા તે તત્કાળ જેતે મોલમાં પહોંચ્યો જ્યાં તેણે મોલનો વહિવટ સંભાળતા એક અધિકારીને જઈને પેકેટનું વજન કરવા કહ્યું તો તેમણે વજન કાંટા પર વજન કરીને પેકેટ પૂરા 250 ગ્રામનું હોવાનું બતાવ્યું. ગ્રાહક તકરાર ટાળવાના આશય સાથે ઘરે પરત ફર્યો.
કંપનીએ શું કહ્યું?
ગ્રાહકે પેકેટ પર છપાયેલા કસ્ટમરકેર નંબર પર ફોન કરતા તેને કહેવાયું કે જે વજન લખ્યું હશે અને તમે તોલાવ્યું જે 250 ગ્રામ આવ્યું તો એ બરોબર જ છે. ગ્રાહકે જ્યારે કહ્યું કે તમારી પેકિંગની તારીખ, એક્સપાયરી તારીખ અને તેની સાથે વજન 240 ગ્રામ તથા એમઆરપી 45 રૂપિયા લખી છે ત્યારે કંપનીના એ શખ્સે કહ્યું કે તો પછી તો જે નીચે લખ્યું છે એ જ સાચું હશે અને આ માટે અમારી કોઈ જવાબદારી નથી. એ માલ વેચનારની જવાબદારી છે.
જીએસટી ઘટાડાનો ગ્રાહકને આપવાનો લાભ વેપારીઓ ઓળવી ઓળવી જાય છે
થોડા સમય પહેલાં જ કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં ફેરફાર કરતા કેટલિક ચીજવસ્તુના ભાવ ઘટ્યા છે ત્યારે આ ભાવ ઘટડાના લોભ ગ્રાહકને મળે એ જરૂરી છે. હકીકતમાં કંપનીઓએ તો આ તેમની પ્રોડક્ટમાં ભાવ ઘટાડી દીધા પરંતુ તેમણે તેમના જૂના પ્રિન્ટ થયેલા પેકિંગ મટિરિયલનો ઉપયોગ ચાલું રાખ્યો જેના પર તેમણે જૂનું વજન અને જૂની એમઆરપી હટાવી નહીં જેનો લાભ વેપારીઓએ ભરપુર લીધો હોવાનું જણાય છે. જોકે આ બાબતે કંપનીના કસ્ટમર કેરે હાથ અદ્ધર કરી દીધા હતા.
પેકિંગ કરેલી વસ્તુઓમાં વજન કેટલું હોવું જોઈએ?
કોઈ પણ પેકિંગ કરેલી વસ્તુઓમાં સ્પષ્ટ રીતે નેટવેઈટ લખવામાં આવે છે એટલે કે પેકિંગની અંદર જે વસ્તુ હોય એનું વજન જ પેકેટ પર લખાય, જેમાં કોઈ પણ પ્રકારના પેકિંગ મટિરિયલનું વજન ન ઉમેરી શકાય. આ કિસ્સામાં પણ આવું જ બન્યું હતું. પેકેટનું વજન જરૂર 250 ગ્રામ હતું પરંતુ અંદરની વસ્તુનું 240 ગ્રામથી વધુ નહી જ હોય. આ બાબતે કંપનીના કસ્ટમર કેરના શખ્સે કહ્યું હતું કે વજન બરોબર હશે. જોકે જ્યારે તેનું ધ્યાન દોરવામાં આવ્યું કે પ્રવાહી વસ્તુનું વજન જો પેકિંગ મટિરિયલ સાથે ગણવામાં આવે તો તે ક્યારેય યોગ્ય ન રહે કેમકે પ્રવાહીનું વજન સામાન્ય રીતે લિટરમાં લખાતું હોય છે ત્યારે તેના પેકિંગ મટિરિયલનું વજન તેમાં ઉમેરવું શક્ય નથી. આ બાબત જણાવ્યા બાદ કસ્ટમર કેરના શખ્સના હાથ હેઠાં પડ્યા હતા અને તેણે તેના કંપનીના મેનેજમેન્ટને આ બાબતે જાણ કરવાની ખાતરી આપી હતી.
મોલ્સના વહિવટદારે શું કર્યું?
ગ્રાહક કંપનીના કસ્ટમર કેરમાં વાત કર્યા બાદ ફરી મોલમાં પહોંચ્યો અને તેણે આખી વાત મોલના વહિવટદારને સમજાવતા તેણે તરત તેના ઉપરી અધિકારીઓ સાથે વાત કરીને ગ્રાહકને તેની પાસેથી વસુલેલી વધારાના 4.50 રુપિયા પરત આપ્યા હતા જોકે, 50 પૈસા ન હોઈ તેમણે ગ્રાહકને 5 રુપિયા પરત આપી મામલો થાળે પાડ્યો હતો. જોકે, અત્યારે સુધીમાં વેચાયેલા માલ અને તેમાં વસુલવામાં આવેલી વધુ રકમ અંગે તે કંઈ કહી શક્યો નહતો.
પ્રોડક્ટસ્ પર બે એમઆરપીથી વેપારી-ગ્રાહકો ભરમાય છે
આ સમગ્ર ઘટનામાં એક વાત સ્પષ્ટ છે કે સરકારના લાભ ગ્રાહક સુધી પહોંચે તે માટે ગ્રાહકો પણ જાગૃત બને એ જરૂરી છે. વેપારીઓને આવી ભૂલોમાંથી લાખોનો નફો ઓળવી જવાની તક મળે છે. હકીકતમાં તો સરકારે પ્રોડક્ટ પર ખાસ રીતે બે એમઆરપી છાપતી કંપનીઓ પર પણ લગામ લગાવવી જરૂરી છે. કંપનીઓ તેમના પેકિંગ મટિરિયલના પ્રિન્ટિંગ ખર્ચમાં બચાવ કરવા માટે બે અલગ એમઆરપી છાપે છે. દા.તઃ કેટલિક પ્રોડક્ટસ પર ગુજરાત, મહારાષ્ટ્ અને રાજસ્થાન માટેની એમઆરપી જુદી હોય છે અને અન્ય રાજ્યો માટે જે-તે પ્રોડક્ટના 20થી 25 ટકા વધુ એમઆરપી લખેલી હોય છે જેનો વેપારીઓ લાભ ઊઠાવે છે ગ્રાહકો પાસેથી હકીકતમાં તો એમઆરપી કરતા પણ વધુ રકમ વસુલે છે.
ગ્રાહકે ધ્યાનમાં રાખવાના કેટલાક જરૂરી મુદ્દા
- માલ ખરીદતી વખતે ખાસ કરીને મોટા સ્ટોર્સમાં એમઆરપી અને ડિસ્કાઉન્ટ ચકાસી લેવા.
- લાંબી લાઈન અને ઊતાવળમાં શક્ય છે કે બિલની ચકાસણી ખરીદીના સ્થળે ન કરી શકાય પરંતુ ઘરે આવીને બિલ પ્રોડક્ટ, વજન, એમઆરપી અને ડિસ્કાઉન્ટ જોઈને ચકાસી લેવું.
- કોઈ પણ ભૂલ જણાય તો ચોકકસ સમય મર્યાદામાં જ્યાંથી ખરીદી કરી હોય ત્યાં જઈને ખુલાસો કરી લેવો.
- બિલ હંમેશા ખૂબજ કાળજીથી ચકાસવું કેમકે ક્યારેક પ્રોડક્ટ બદલાવાના કે પછી જે વસ્તુ ન હોય તેની બિલમાં ગણતરી થઈ હોય અથવા તો પ્રોડક્ટ ખરીદીના સ્થળે રહી ગઈ હોય અને તેનો બિલમાં ઉલ્લેખ કરી દેવાયો હોય અને તમે તેની ચૂકવણી પણ કરી દીધી હોય એવી ઘટનો પણ બને છે. આ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
- ખરીદી બાદ ક્યારેય બિલને તરત જ કે ઊતાવળે ફેંકી ન દેવું. બિલ હશે તો જ વેપારી સાંભળશે અન્યથા તેમના કમ્પ્યુટરમાં બિલ હોવા છતાં કોઈ દુકાનદાર કે મોલ્સ તમને જવાબ પણ નહીં આપે. તેથી બિલને એક-બે દિવસ પછી કોઈ ભૂલ ન જણાય ત્યારે ફેંકવું વધુ ઊચિત છે.
