પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પત્નીની ફરિયાદ પર આરોપી પતિ વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કરી તેની ધરપકડ કરી
લખીમપુર ખીરી
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં પતિએ બીજી મહિલા સાથે ચાલી રહેલા પ્રેમ સબંધના ચક્કરમાં પોતાની પત્નીનું નાક કાપી નાખ્યુ છે. પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની હાલત સ્થિર છે. પત્નીની ફરિયાદ પર આરોપી પતિ વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે.
આ ઘટના મિતૌલી પોલીસ સ્ટેશનના બાંસતાલી ગામની છે. આ ગામના રહેવાસી વિક્રમના લગ્ન મોહમ્મદાબાદ ગામની સીમા દેવી સાથે થયા હતા. બંનેને બે બાળકો છે. પત્નીનો આરોપ છે કે તેના પતિને ગામની જ એક મહિલા સાથે અફેર ચાલે છે. જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. શનિવારે રાત્રે પણ જ્યારે વિક્રમ ઘરે આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેને ભૂખ લાગી છે. તો સીમાએ રસોઈ બનાવવાનું શરૂ કર્યું પરંતુ પછી અચાનક વિક્રમ કોઈ વાતને લઈને ગુસ્સે થઈ ગયો ફરી ઝઘડો ચાલુ કર્યો અને પુત્રીને માર મારવા લાગ્યો.
સીમાએ જ્યારે અવાજ સાંભળ્યો ત્યારે તે દીકરીને બચાવવા વચ્ચે પડી. તેના પર ગુસ્સામાં ભરાયેલા વિક્રમે તેને પણ માર માર્યો અને તેની પત્નીનું નાક કાપી નાખ્યું. જે બાદ પીડિતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તબીબોએ જણાવ્યું કે, મહિલાની હાલત ખતરાની બહાર છે.
પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે વિક્રમની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો છે. આ અંગે વધુ માહિતી આપતા સીઓ સિટી સંદીપ સિંહે જણાવ્યું કે, મિતૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના બાંસતાલી ગામમાં પતિએ તેની પત્ની પર હુમલો કર્યો અને તેનું નાક કાપી નાખ્યું. આ મામલામાં કેસ નોંધીને પતિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.