ક્ષત્રિય સેવા મહાસંઘના ધનવંત સિંહ રાઠોડે સુરેન્દ્ર યાદવને મારી નાખવાની ધમકી આપી, ફેસબુક પોસ્ટમાં રાઠોડે યાદવને ગુનેગાર ગણાવ્યો હતો
પટના
બિહાર સરકારના મંત્રી સુરેન્દ્ર યાદવને હત્યાની ધમકી મળી છે. તેમની હત્યા કરનારને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ખુલ્લી ઓફર સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. નીતીશ સરકારમાં આરજેડી ક્વોટામાંથી સહકારી મંત્રી સુરેન્દ્ર યાદવ રાષ્ટ્રીય જનતા દળના કદાવર નેતા છે. તેઓ લાલુ યાદવના નજીકના હોવાનું કહેવાય છે. ક્ષત્રિય સેવા મહાસંઘના ધનવંત સિંહ રાઠોડે સુરેન્દ્ર યાદવને મારી નાખવાની ધમકી આપી છે. ફેસબુક પોસ્ટમાં રાઠોડે સુરેન્દ્ર યાદવને ગુનેગાર ગણાવ્યો હતો અને તેની હત્યા કરનારને 11 કરોડ રૂપિયા આપવાની વાત કહી છે.
મંત્રીને ધમકી આપવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ મંત્રી સુરેન્દ્ર યાદવે ગયાના એસએસપીને પત્ર લખીને સુરક્ષાની ગુહાર લગાવી છે.
બિહાર સરકારમાં મંત્રી સુરેન્દ્ર યાદવે એસએસપીને પત્રમાં કહ્યું કે, તેઓ સાત વાર ધારાસભ્ય અને એક વાર સાંસદ રહ્યા છે. વિસ્તારમાં તેની લોકપ્રિયતા છે.આ સાથે જ તેઓ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રહે છે. તેથી તેમના જીવને જોખમ રહે છે. તેમણે કહ્યું કે ધનવંત સિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો વીડિયો ઉશ્કેરણીજનક છે. વીડિયોમાં મને ગુનેગાર કહેવામાં આવ્યો છે અને મારી હત્યા કરનારને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવાનું કહેવામાં આવ્યું છે. બિહાર સરકારના મંત્રીને ખુલ્લેઆમ ધમકી આપવી એ દર્શાવે છે કે તેમને કાયદાનો કોઈ ડર નથી.
આ સાથે જ મંત્રીએ એસએસપીને લખેલા પત્રમાં કહ્યું કે ધનવંત સિંહ રાઠોડ અગાઉ પણ જેલ જઈ ચૂક્યા છે. તે ગુનાહિત પ્રકૃતિનો વ્યક્તિ છે. સહકારી મંત્રીને જાનથી મારી નાખવાની ધમકીનો વીડિયો વાયરલ થયા બાદ ગયા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે આ મામલે ધનવંતસિંહ રાઠોડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.