ઓપરેશન બાદ શાહરુખ નાક પર બેન્ડેજ સાથે સ્પોટ થયો હતો, અભિનેતા હાલ મુંબઈ સ્થિત ઘરે પરત આવી ગયો છે અને આરામ કરી રહ્યો છે’
મુંબઈ
શાહરુખ ખાન અમેરિકાના લોસ એન્જલસમાં આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે તેને અકસ્માત નડ્યો હતો. તે એક્શન સીન શૂટ કરી રહ્યો હતો ત્યારે નાકમાં ઈજા થતાં લોહી વહેવા લાગ્યું હતું. તેને તરત જ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં નાનકડી સર્જરી કરવામાં આવી હતી. હાલ તે ઠીક છે.
2023ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ આપીને શાહરુખ ખાન હાલ ઈન્ડસ્ટ્રીમાં ટોપ પર ચાલી રહ્યો છે. વિરોધના વંટોળ વચ્ચે પણ આ ફિલ્મે 1 હજાર કરોડની કમાણી કરી હતી. અને હવે તેનું ધ્યાન આગામી ફિલ્મ પર છે, જેનું ડિરેક્શન એટલી કરી રહ્યા છે. શાહરુખ ફરી એકવાર એક્શન કરતો જોવા મળશે, ત્યારે સેટ પર આવા જ સીનના શૂટ દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો. શાહરુ ખાન હાલ અમેરિકાના લોસ એન્જલસમાં છે, જ્યાં તેની સાથે આ ઘટના બની હતી અને તેની નાની એવી સર્જરી પણ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ‘શાહરુખ ખાન લોસ એન્જલસમાં પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો અને તે વખતે જ તેને નાકમાં ઈજા પહોંચી હતી. તેના નાકમાં લોહી વહેલા લાગ્યું હતું અને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેની ટીમને ફોન કરીને ચિંતા કરવા જેવું કંઈ ન હોવાનું કહ્યું હતું. આ સાથે લોહીને બંધ કરવા માટે એક નાનકડી સર્જરી કરવી પડશે તેમ જણાવ્યું હતું. ઓપરેશન બાદ શાહરુખ નાક પર બેન્ડેજ સાથે સ્પોટ થયો હતો. શાહરુખ હાલ મુંબઈ સ્થિત ઘરે પરત આવી ગયો છે અને આરામ કરી રહ્યો છે’.
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ની પહેલી ઝલક આ મહિને જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ટોમ ક્રૂઝની ‘મિશન ઈમ્પોસિબલઃ ડેડ રેકનિંગ’ પર આધારિત અને તે 12 જુલાઈએ મોટી સ્ક્રીન પર જોવા મળશે. આ સિવાય એક્ટર પાસે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’ છે, જેમાં તેની સાથે તાપસી પન્નુ અને વિકી કૌશલ છે. તે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘ટાઈગર VS પઠાણ’નો ભાગ છે, જેમાં તે ફરીથી સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતો દેખાશે.
શાહરુખ ખાન ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો હતો જ્યારે ‘પઠાણ’ રિલીઝ થવાની હતી. આ સિવાય સોન્ગ ‘બેશરમ રંગ’ માટે પણ ખૂબ હોબાળો થયો હતો. કેટલાકે તો ફિલ્મને થિયેટરમાં રિલીઝ ન કરવા દેવાની ધમકી આપી હતી. જો કે, એક્ટર્સ કે ફિલ્મમેકરમાંથી કોઈએ પણ તે સમયે આ વિશે પ્રતિક્રિયા આપી નહોતી. ત્યારે એક ઈન્ટરવ્યૂમાં કિંગખાને કહ્યું હતું કે ‘અમારામાંથી કોઈ પણ મીડિયાને મળ્યું નહોતું. ફિલ્મનું શૂટિંગ અમે કોવિડ વખતે કર્યું હતું. તેથી, અમે વર્ક મોડમાં હતા. ફિલ્મને સપોર્ટ કરનારા ફેન્સનો આભાર. એક તરફથી અમને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને આ માટે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ એટલી ઓછી. સિનેમાની એ જ ચમક પાછી લાવવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી આભાર માગુ છું’. જણાવી દઈએ કે ‘પઠાણ’થી શાહરુખે ચાર વર્ષ પછી ફિલ્મી પડદે કમબેક કર્યું હતું. છેલ્લે તે 2018માં આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સાથે દેખાયો હતો. જે બોક્સઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.